સરપંચના હોદ્દાનો દુરૂપયોગ કરનારા મોટા કપાયાના ગ્રામ પંચાયતના સભ્યને ટીડીઓ દ્વારા નોટિસ ફટકારાઈ
મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 3 ના સભ્યે પોતાના કૌટુંબિક સગા કે જે સરપંચ પદે છે તે જાણતા હોવા છતાં પોતાના નામ સાથે સરપંચનો હોદ્દો ગેરકાયદેસર રીતે લખીને વડાપ્રધાનના જન્મદિવસ અંગેની જાહેરાત વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરતાં મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ પાઠવીને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું.
સભ્યના કૌટુંબિક સગા સરપંચ હોવા છતાં પોતાના નામ સાથે સરપંચનો હોદ્દો લખીને જાહેરાત કરી
મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું હતું કે, અરજદાર ભવ્યરાજસિંહ અજીતસિંહ સમા, ભવાન મગનભાઈ ધેડા, કાનજી દેવજી સોંધરાએ અરજી કરી હતી કે, મોટા કપાયાના સરપંચ તરીકે ચાંદાબા ચેતનસિંહ પઢિયાર હોદ્દા પર હોવા છતાં પણ મોટા કપાયાના વોર્ડ નં.૩ના સભ્ય નવલસિંહ ચાંદાજી પઢિયારે વડાપ્રાધાનના જન્મદિને શુભેચ્છા પાઠવતી જાહેરાત વર્તમાનપત્રોમાં આપી હતી, જેમાં શુભેચ્છક તરીકે પઢિયાર નવલસિંહ કુંવરજી, સરપંચ મોટા કપાયા ગ્રામપંચાયત એવું દર્શાવાયું છે. જેથી તમે મોટા કપાયા ગ્રામપંચાયતના વોર્ડ નં. ૩ના ચુંટાયેલા સભ્ય છો અને સરપંચપદે તમારા કૌટુંબિક સગા ચાંદાબા ચેતનસિંહ પઢિયાર ચૂંટાયેલા હોવાથી તમારા દ્વારા સરપંચના હોદ્દાનો નામ સાથે ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં બીજીવાર લખ્યું
સભ્ય દ્વારા અગાઉ પણ શુભેચ્છા જાહેરાત આપવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. જે પત્રથી પણ નોટિસ આપીને તાકીદ કરાઈ હતી કે, ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત આપવી નહીં કે સરપંચના હોદ્દા સાથે તમારા નામની સાથે ઉપયોગ કરવો નહીં. તેમ છતાં બીજીવાર તમારા નામ સાથે સરપંચ તરીકેનો હોદ્દો દર્શાવીને જાહેરાત કરાઈ હતી. તેથી તમારા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭(૧) મુજબ સભ્યપદેથી દૂર કરવાની કાર્યવાહી શા માટે ન કરવી તેના ખુલાસા સાથે પાંચ દિવસમાં જવાબ મોકલી આપવા સૂચના અપાઈ હતી.
સભ્ય દ્વારા યોગ્ય ખુલાસો રજૂ નહીં કરાય તો નિયમાનુસાર કાર્યવાહી કરાશે. જેની ગંભીર નોંધ લેવા નોટિસમાં જણાવાયું હતું.