ભારતના નવા સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે જાન્યુઆરી મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ જીત્યો છે. તેણે ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો છે. ગિલે જાન્યુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વનડેમાં બેવડી સદી તેમજ ટી20માં સદી ફટકારી અને હવે તે મહિનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો છે.
શુભમન ગિલ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ન્યુઝીલેન્ડના વિકેટકીપર ડેવોન કોનવે પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડના દાવેદાર હતા.
શુભમને 2023ની શરૂઆત શાનદાર રીતે કરી. તેણે આ વર્ષે શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. આમાં તે માત્ર સાત રન બનાવી શક્યો હતો. આ પછી પુણેમાં બીજી ટી20 મેચમાં પણ તે ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. રાજકોટમાં ત્રીજી T20માં શુભમન 46 રન બનાવી શક્યો હતો.
ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી
શુભમન શ્રીલંકા સામેની વનડેમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ત્રણ વનડેમાં 70, 21 અને 116 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી શુભમને ન્યુઝીલેન્ડ સામે ખળભળાટ મચાવ્યો હતો. હૈદરાબાદમાં પ્રથમ વનડેમાં તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા, જેમાં તેના સાથી બેટ્સમેન 28થી વધુના આંકડાને સ્પર્શી શક્યા ન હતા.
આ પછી તેણે બીજી વનડેમાં અણનમ 40 અને ત્રીજી વનડેમાં 112 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે કુલ 360 રન બનાવ્યા અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી.
ગિલે ફેબ્રુઆરીમાં પણ આ ફોર્મ ચાલુ રાખ્યું અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા. 17 દિવસમાં જ ગિલે ચાર સદી ફટકારી હતી. સાથે જ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો.