‘અશ્લીલ મેસેજ, ગંદી ભાષા અને છેડતી’: મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટની 17 છાત્રાઓએ સ્વામી ચિન્મયાનંદ પર લગાવ્યા ગંભીર આરોપો
શ્રી શારદા ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, દિલ્હી: દિલ્હીના વસંત કુંજ સ્થિત SIIMના પૂર્વ સંચાલક સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. દિલ્હી પોલીસે FIR નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
દક્ષિણ દિલ્હીના વસંત કુંજમાં આવેલી શ્રી શારદા ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ (SIIM)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ છેડતી અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપીનું નામ સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી છે, જે દિલ્હી કેમ્પસનો સંચાલક હતો. જોકે, આરોપી હજુ પણ ફરાર છે. ફરિયાદ મળ્યા બાદ વસંત કુંજ (ઉત્તર) પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે ઇન્સ્ટિટ્યુટના CCTV ફૂટેજ કબજે લીધા છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસે સંસ્થાના બેઝમેન્ટમાંથી આરોપીની વોલ્વો કાર પણ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કાર પર નકલી નંબર પ્લેટ લગાવેલી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પર શૃંગેરી (કર્ણાટક)ના દક્ષિણામ્નાય શ્રીશારદાપીઠે પોતાનું નિવેદન આપ્યું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી (પૂર્વ નામ સ્વામી ડૉ. પાર્થસારથી) વિરુદ્ધ ગંભીર પગલાં ભરવામાં આવ્યા છે. તેમનું આચરણ અને ગતિવિધિઓ ગેરકાયદેસર, અયોગ્ય અને પીઠના હિતોની વિરુદ્ધ રહી છે. આ જ કારણોસર તેમના પીઠ સાથેના તમામ સંબંધો સમાપ્ત કરી દેવામાં આવ્યા છે.
સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી વિરુદ્ધ ફરિયાદ
શૃંગેરી પીઠ તરફથી એ પણ માહિતી આપવામાં આવી છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતીના ગેરકાયદેસર કાર્યોને લઈને સંબંધિત અધિકારીઓ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ, શૃંગેરી પીઠે સ્પષ્ટ કર્યું છે કે શ્રી શારદા ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચ (વસંત કુંજ, નવી દિલ્હી) AICTE માન્યતા પ્રાપ્ત છે અને આ સંસ્થા પીઠ હેઠળ ચાલી રહી છે.
સંસ્થાનું સંચાલન પીઠ દ્વારા રચાયેલી ગવર્નિંગ કાઉન્સિલ કરે છે, જેના અધ્યક્ષ પ્રખ્યાત શિક્ષણવિદ્ ડૉ. કૃષ્ણા વેંકટેશ છે. ગવર્નિંગ કાઉન્સિલે ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના હિતોની સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે અને તેમના અભ્યાસ તથા કાર્યક્રમોમાં કોઈપણ પ્રકારનો અવરોધ નહીં આવવા દેવામાં આવે.
આરોપીની કરતૂતનો ખુલાસો આ જ આશ્રમના પ્રશાસન (શૃંગેરી)એ કર્યો છે જ્યાં આ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ચાલી રહી હતી. મામલો સામે આવ્યા બાદ આરોપીને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, પોલીસની ટીમો દરોડા પાડી રહી છે. આરોપીનું છેલ્લું લોકેશન આગ્રામાં મળ્યું. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 16 વિદ્યાર્થીનીઓના નિવેદનો પટિયાલા હાઉસની મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધવામાં આવ્યા છે.
સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ફરાર
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે જાતીય શોષણ અને છેતરપિંડીના કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, 4 ઓગસ્ટ 2025ના રોજ શ્રી શૃંગેરી મઠ અને તેની સંપત્તિઓના એડમિનિસ્ટ્રેટર પી. એ. મુરલીએ ફરિયાદ કરી હતી કે સ્વામી ચૈતન્યનંદે શારદા ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ (SRISIIM)માં EWS સ્કોલરશીપ પર PGDM કરી રહેલી વિદ્યાર્થીનીઓ સાથે ખોટી હરકતો કરી છે.
32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધાયા
પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો કુલ 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા, જેમાંથી 17 એ સીધા આરોપ લગાવ્યા કે આરોપી તેમને અશ્લીલ મેસેજ કરતો, ગંદી ભાષાનો ઉપયોગ કરતો અને શારીરિક છેડતી કરતો હતો. વિદ્યાર્થીનીઓએ એ પણ કહ્યું કે કેટલીક મહિલા ફેકલ્ટી અને એડમિન કર્મચારીઓ તેમને દબાણ કરીને સ્વામીની ખોટી માગણીઓ માનવા માટે કહેતી હતી. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા.
ઇન્સ્ટિટ્યુટના બેઝમેન્ટમાંથી નકલી નંબર પ્લેટવાળી કાર મળી
ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે BNSની કલમ 75(2)/79/351(2) હેઠળ ગુનો નોંધ્યો. પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા, ઘણી વખત આરોપીના ઠેકાણાઓ પર દરોડા પણ પાડ્યા, પરંતુ આરોપી હજુ પણ પોલીસના હાથમાં આવ્યો નથી. તપાસ દરમિયાન ઇન્સ્ટિટ્યુટના બેઝમેન્ટમાંથી એક વોલ્વો કાર મળી. ગાડી પર નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) લાગેલી હતી. આરોપ છે કે સ્વામી ચૈતન્યનંદ પોતાની વગ બતાવવા માટે આ લાલ રંગની નકલી નંબર પ્લેટવાળી વોલ્વો કારનો ઉપયોગ કરતા હતા. આ મામલામાં વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે.