ટીમ ઈન્ડિયાનો સ્ક્વોડ: કોણ છે એ 15 ખેલાડીઓ, જે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થશે?
વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બુધવાર, 24 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ ટીમમાં ઑસ્ટ્રેલિયા-એ સામે શાનદાર પ્રદર્શન કરનાર મધ્યક્રમના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ અને સ્પિનર માનવ સુથારને સ્થાન મળી શકે છે.
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં શુભમન ગિલની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝના પડકારનો સામનો કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવીને આ ટેબલના ટોપ પર પહોંચવા ઈચ્છશે. આ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત બુધવાર, 24 સપ્ટેમ્બરે કરવામાં આવશે. જેમાં કેટલાક નવા ખેલાડીઓને તક મળી શકે છે. આ દરમિયાન દિગ્ગજ બેટ્સમેન શ્રેયસ અય્યરે રેડ બોલમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
આ ખેલાડીઓને મળી શકે છે તક
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ચીફ સિલેક્ટર અજીત અગરકરની અધ્યક્ષતામાં BCCIની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની બુધવાર, 24 સપ્ટેમ્બરે ઓનલાઈન મીટિંગ થશે. જેમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. ઑસ્ટ્રેલિયા-એ સામેની પ્રથમ બિનસત્તાવાર મેચમાં શાનદાર સદી ફટકારનાર દેવદત્ત પડિક્કલને ટીમમાં સ્થાન મળી શકે છે.
આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા-એ સામેની બીજી મેચમાં પાંચ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર માનવ માથુરને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. 23 વર્ષીય સુથારે 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 95 વિકેટ ઝડપી છે. ઋષભ પંતને ઈજા થતા આ ટેસ્ટ શ્રેણીમાં ધ્રુવ જુરેલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. આ ઉપરાંત તેના બેકઅપ તરીકે નારાયણ જગદીશનને ટીમમાં સામેલ કરી શકાય છે. દિગ્ગજ ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ શકે છે.
COEમાં રવીન્દ્ર જાડેજા
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) પહોંચ્યા છે, જ્યાં તેમનો ફિટનેસ ટેસ્ટ થશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ જાડેજાએ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. બેટિંગમાં જાડેજાનો ઇંગ્લેન્ડ પ્રવાસ શાનદાર રહ્યો હતો, જ્યાં તેમણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી.
આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાનો સંભવિત સ્ક્વોડ:
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અભિમન્યુ ઈશ્વરન, નારાયણ જગદીશન, દેવદત્ત પડિક્કલ, માનવ સુથાર.