મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે લાગણીના અનોખા બંધન હોય છે. પ્રાણીઓની વફાદારીની પણ અનેક ઘટનાઓ તમે સાંભળી હશે. જોકે, યુપીના અમરોહામાં વ્યક્તિ અને પક્ષી વચ્ચે પ્રેમનું અનોખું ઉદાહરણ સામે આવ્યું હતું. અહીં એક વ્યક્તિએ પોતાના પોપટના અવસાન પછી અંતિમયાત્રા કાઢી હિંદુ પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર કરાવ્યાં હતાં.
અમરોહાના હસનપુર વિસ્તારના રહેવાસી શિક્ષક પંકજ કુમાર મિત્તલના પોપટનું પાંચ માર્ચના રોજ અવસાન થયું હતું. પોપટ માટે પોતાનો પ્રેમ દર્શાવતા પંકજે રવિવારના રોજ હવન અને ગામલોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાંચ વર્ષ પહેલા પંકજે આ પોપટને દત્તક લીધો હતો. જ્યારે પંકજે પહેલીવાર આ પોપટને જોયો ત્યારે તેને જાણ થઈ કે તે પગમાં ઈજાને કારણે ઉડી શકતો નહોતો. આ જોઈને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું અને તેઓ પોપટને ઘરે લઈ આવ્યાં હતાં.
પંકજે એ પણ જણાવ્યું હતું કે તેણે પોપટને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો. મિત્તલ પરિવારે પોપટના અવસાન પછી તેનું ક્રિયાકર્મ હિંદુ પરંપરા અનુસાર કરાવ્યું હતું. તેમણે ગંગા ઘાટ પર વિધિ યોજી હતી. આ ઉપરાંત તેમણે પ્રાર્થનાસભાનું પણ આયોજન કર્યું હતું.