મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસ: સમાઘોઘાના પૂર્વ સરપંચના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
કચ્છભરમાં ચકચારી બનેલા મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ કેસમાં આરોપી સમાઘોઘાના પૂર્વ સરપંચ દ્વારા સુપ્રિમ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેને સુપ્રિમ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથની ઘટનામાં ચારણ સમાજના બે યુવાનોના મોત નીપજ્યા હતા. જેના કારણે સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
મુન્દ્રા પોલીસ દ્વારા ચોરીના કેસમાં શકમંદ તરીકે ઉઠાવાયા હતા યુવાનો
આ કેસની વિગતો અનુસાર મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીના શકમંદ આરોપી તરીકે અરજણ ગઢવી તથા હરજોગ ગઢવીને પોલીસ દ્વારા ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં ચારણ સમાજના અરજણ ગઢવી તેમજ હરજોગ ગઢવી નામના યુવાનોનું મોત નીપજ્યું હતું. જે બનાવના ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં એક પોલીસ ઈન્સપેક્ટર, પાંચ પોલીસ કર્મચારીઓ, બે જી.આર.ડી.જવાનો તથા સમાઘોઘાના પૂર્વ સરપંચ સામે હત્યા,મદદગારી સહિતની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ આરોપીઓ પૈકીના કેટલાક હજુ જેલની હવા ખાઇ રહ્યા છે.
સમાઘોઘાના પૂર્વ સરપંચે સુપ્રિમ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી
મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના કેસમાં આરોપી તરીકે સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની ધરપકડ કરીને તેમને પણ જેલહવાલે કરવામાં આવ્યા હતા. જયવીરસિંહે જામીન મેળવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે કેસનો લાંબો સમય,હજુ વધુ સમય લાગવાની શક્યતા સહિતના કારણો આગળ ધરીને ગુણદોષના આધારે જયવીરસિંહ જાડેજાની જામીન અરજીને નામંજુર કરી હતી.
આગામી ૪ માસમાં ટ્રાયલ પૂર્ણ ન થાય તો હાઇકોર્ટમાં જવા સુચવાયું
આ કેસમાં કુલ ૧૦ આરોપી પૈકી એકથી સાત નંબરના આરોપી માટેની દલીલો પૂર્ણ થઇ ચુકી છે અને હવે માત્ર ૮થી ૧૦ નંબરના આરોપીઓની જ દલીલ બાકી છે. કેસની સુનાવણી આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે આગામી ૪ માસમાં ટ્રાયલ પૂર્ણ ન થાય તો જામીન માટે હાઇકોર્ટ સમક્ષ જવા જણાવ્યું હતું. કેસની સુનાવણીમાં સરકાર પક્ષે ખાસ નિયુક્ત વકીલ અનિલભાઇ દેસાઇ તથા ફરિયાદ પક્ષ વતી ભુજના વકીલ ડી.વી.ગઢવી સાથે વાય.વી.વોરા, એ.એન.મહેતા, એચ.કે.ગઢવી, એસ.કે.ગઢવી, આર.એસ.ગઢવી, વીજય પી. ગઢવી તથા ચારણ સમાજના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.