નાનાપોંઢા નવા તાલુકાની જાહેરાત: 30 વર્ષની રાહ પૂરી થતાં લોકોમાં ખુશીનો માહોલ
રાજ્ય સરકારે 17 જેટલા નવા તાલુકાઓની ઐતિહાસિક જાહેરાત કરતાં નાનાપોંઢા વેપારી હબ તરીકે જાણીતું આ ગામ પણ નવા તાલુકાનો દરજ્જો મેળવવામાં સફળ થયું છે. આ જાહેરાત બાદ સ્થાનિક લોકોએ બિરસા મુંડા સર્કલ પર જોરદાર ફટાકડા ફોડીને ભારે ઉત્સાહ સાથે આવકાર આપ્યો હતો.
વર્ષોથી ચાલતી આ લાંબી માંગને લીધે નાનાપોંઢા અને આસપાસના ગામોના લોકો આ દિવસની રાહ જોતા હતા. નાનાપોંઢા સેન્ટર આસપાસના તમામ ગામડાઓમાં આ સમાચાર મળતાં જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના લોકોને કપરાડા અને કુંભઘાટ જવાની મજબૂરી હતી, જેનાથી તેઓને મોટી અસુવિધા પડતી હતી. આ લાંબી પરેશાનીનો અંત આવતાં સ્થાનિક લોકોની ખુશીની કોઈ હદ રહી નથી.
નવા નાનાપોંઢા તાલુકામાં વાપી તાલુકાના 13 ગામડા, પારડી તાલુકાના 10 ગામડા અને કપરાડા તાલુકાના 29 ગામડા સહિત કુલ 52 ગામોનો સમાવેશ થયો છે. આ નવી વ્યવસ્થાથી હવે સ્થાનિક લોકોને દૂર-દૂર સુધી કચેરીઓમાં જવાની જરૂર પડશે નહીં.
આ ઐતિહાસિક નિર્ણયથી આખા વિસ્તારના લોકો હવે નિરાંત અનુભવી રહ્યા છે. વહીવટી કામકાજ માટે લાંબા અંતરે જવાની મુશ્કેલી દૂર થતાં આ નવા તાલુકાથી વિકાસલક્ષી કામોને પણ વેગ મળશે અને સ્થાનિક લોકોના જીવનમાં સુધારો આવશે.