બાઇવારીવાંઢ મર્ડર કેસમાં પોલીસે ચાર આરોપીઓને પકડી પાડયા
અબડાસા તાલુકાના બાઇવારીવાંઢ ખાતે જમીનના ઝઘડાને લઇને ઉગ્ર બોલાચાલી અને બાદમાં હથિયારો વડે ધિંગાણું થયું હતું. જેમાં આધેડનું મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ ગુનામાં ૩૧ આરોપીઓ સામે નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
ખેતર પચાવી પાડ્યાની કોર્ટમાં ફરિયાદ બાદ મામલો વધુ ઉગ્ર બન્યો
અબડાસા તાલુકાના નલિયા પાસેના અંતરિયાળ ગામ બાઇવારીવાંઢમાં જત સમાજના બે જુથ વચ્ચે ખેતર થયેલી મારામારીમાં ૨૫ થી વધુ લોકોને ઇજાઓ થઇ હતી.અને બંન્ને પક્ષે નલિયા પોલીસ સ્ટેશનમાં ૩૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. ખેતરને પચાવી પાડવા મુદ્દે એક શખસ દ્વારા નલિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હોવાથી એક મહિનાથી બંન્ને પક્ષ વચ્ચે રકઝક ચાલતી હતી. આ દરમ્યાન બાઇવારીવાંઢ ગામે જત સમુદાયના પરિવારો વચ્ચે તલવાર, કુહાડી, પાઇપ, લાકડીઓ તથા છુટ્ટા પથ્થરો વડે ધિંગાણું ખેલાયું હતું. જે અંતર્ગત ગંભીર રીતે ઘવાયેલા આધેડ ભેગમામદ જતનું સારવાર દરમ્યાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ચારેયને પકડ્યા
નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા દ્વારા હત્યાના આ બનાવના આરોપીઓને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સુચના આપવામાં આવી હતી. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.આર.જેઠી ના માર્ગદર્શન હેઠળની ટીમ આરોપીઓને શોધી રહી હતી. આ દરમ્યાન હ્યુમન સોર્સિસના આધારે માહીતી મળતાં આરોપી અસરફ કમાલ જત, અજીજ સુમાર જત, રમધાન હાજીનેકમામદ જત તથા ઇજ્જતબાઇ મજીદ જતને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી પકડી પાડીને આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા હતા.
ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તળે નોંધાયો હતો ગુનો
ગત તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના નલિયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧),૧૧૫(૨), ૧૧૮(૧),૧૨૫(એ), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૫૧ (૩), ૨૯૬ (બી),૬૧(૨) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં દાખલ ભેગમામદ જતનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હોવાથી તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩નો ઉમેરો કરવામાં આવ્યો હતો.