જમીન કૌભાંડના કેસમાં પ્રદીપ શર્માની તથા ઇભલા શેઠના કેસમાં કુલદિપ શર્માની અપીલો કોર્ટ દ્વારા નામંજુર કરાઈ
કચ્છના તત્કાલિન કલેક્ટર આઈ.એ.એસ.પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીઓ સામે જીંદાલ કંપનીને ગેરકાયદે જમીન ફાળવણી કરવાના ગુનામાં ભુજની કોર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી જ્યારે વર્ષ ૧૯૮૪માં તેમના ભાઇ આઇપીએસ કુલદિપ શર્મા સામે ઇભલા શેઠને માર માર્યાના કેસમાં ત્રણ માસની કેદની સજા થઇ હતી. આ બંન્ને ભાઇઓ દ્વારા સેશન્સ કોર્ટમાં જુદી-જુદી અપીલો કરવામાં આવી હતી. જે કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી.
પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ ઔદ્યોગિક એકમને ગેરકાયદે જમીન ફાળવી દીધી હતી
મુન્દ્રામાં જીંદાલ સો પાઇપ્સ લિમીટેડ નામના ઔદ્યોગિક એકમને ગેરકાયદે જમીન ફાળવવાના ગુનામાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, પૂર્વ નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલા, ભુજના પૂર્વ ટાઉનપ્લાનર નટુભાઇ દેસાઇ તથા પૂર્વ નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિને ભુજની નીચલી કોર્ટે તા.૧૯-૦૪-૨૦૨૫ના ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ અને દરેકને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જે ચુકાદાની સામે પ્રદીપ શર્મા તથા અન્ય ૩ અધિકારીઓએ સેશન્સ કોર્ટમાં સંયુક્ત રીતે બે જુદી-જુદી અપીલ દાખલ કરી હતી. જેને ભુજના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી.મહિડાએ અંશત નામંજુર કરી હતી.
નીચલી કોર્ટના ચુકાદા બાદ ત્રણ આરોપીઓએ સજા સામે સ્ટે માંગતા ૧૫ દિવસની મુદ્દત મળી
પ્રદીપ શર્માના કેસમાં નીચલી કોર્ટે આરોપીઓને આઇપીસી ૨૧૭ ૪૦૯ ૧૨૦(બી) હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. સેશન્સ જજે આઇપીસી ૨૧૭ પુરતી કરાયેલી સજાના હુકમને રદ કરીને અન્ય બે કલમ હેઠળ થયેલી પાંચ વર્ષની સજા તથા દંડનો હુકમ યથાવત રાખ્યો હતો. આ ચુકાદા બાદ નટુભાઇ દેસાઇ, અજીતસિંહ ઝાલા તથા નરેન્દ્ર પ્રજાપતિએ સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે સ્ટે માંગતાં કોર્ટે ૧૫ દિવસની મુદ્દત આપી હતી. બીજી તરફ અન્ય ગુનામાં જેલમાં રહેલા પ્રદિપ શર્માએ કોઇ સ્ટે માંગ્યો નહોતો.
ફેબ્રુઆરીમાં કુલદિપ શર્માને ૪૦ વર્ષ જુના કેસમાં ત્રણ માસની કેદની સજા થઇ હતી
વર્ષ ૧૯૮૪ના સમયગાળામાં કચ્છમાં જિલ્લા પોલીસ વડા તરીકે મુકાયેલા અને હાલ નિવૃત્ત આઇપીએસ કુલદિપ શર્માને તેમના કચ્છના કાર્યકાળ દરમ્યાન મળવા માટે કોંગ્રેસના ધારાસભ્ય સાથેના પ્રતિનિધિ મંડળમાં રજૂઆત કરવા માટે ગયેલા ઇભલા શેઠ નામના શખસને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે ગોંધી રાખીને ઢોર માર મારવાના ૪૦ વર્ષ જુના કેસમાં ભુજની લોઅર કોર્ટે કુલદિપ શર્મા તથા પીએસઆઇ ગિરીશ હસમુખરાય વસાવડાને તા. ૧૦-૦૨-૨૦૨૫ના ત્રણ માસની સાદી કેદ તથા રૂ.૧-૧ હજારનો દંડ ફટકાર્યો હતો.
સેશન્સ કોર્ટે અપીલને નામંજુર કરીને નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો
આ બનાવ મામલે કુલદિપ શર્મા તેમજ ગિરીશ વસાવડા સામે ભુજની જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં કોર્ટે ઇભલા શેઠને અડધો કલાક કંટ્રોલરૂમમાં ગોંધી રાખીને એકબીજાની મદદ કરવા બદલ આઈપીસી ૩૪૨, ૩૪ તથા ૧૧૪ હેઠળ બંન્ને દોષી ઠેરવીને ત્રણ મહિનાની કેદ તથા રૂપિયા એક-એક હજારનો દંડ ફટકાર્યો હતો. જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે અપીલને નામંજુર કરીને સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખતા બંન્ને આરોપીઓએ સજામાફીની અરજી કરી હતી.
સજાના હુકમને ઉપરી કોર્ટમાં પડકારાયો ન હોય ત્યારે જ અરજી કરી શકાય તેવી દલીલ
આ કેસમાં ફરિયાદ પક્ષના વકીલે વિરોધ કરતાં દલીલ કરી હતી કે, આ અરજી ત્યારે જ કરી શકાય જ્યારે આરોપીઓએ સજાના હુકમને ઉપરી કોર્ટમાં પડકાર્યો ન હોય. કોર્ટે પ્રોબેશનની અરજી ફગાવી દેતાં બંન્ને નિવૃત્ત અધિકારીઓ દ્વારા કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ કરવા માટેનો સમય માંગીને ત્યાં સુધી સજાના હુકમ પર સ્ટે લગાવવાની અરજી કરી હતી. તેથી કોર્ટે બંન્ને ૧૫ દિવસની મુદ્દત આપી હતી. કેસમાં ફરિયાદ પક્ષે વકીલ આર.એસ.ગઢવી, વી.જી.ચૌધરી, વિશ્વા પરમાર, શિવમ સોલંકી હાજર રહ્યા હતા જ્યારે સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.
કોંગ્રેસી આગેવાન ઇભલા શેઠને કુલદિપ શર્માએ માર માર્યાનો કેસ વર્ષ ૧૯૮૪નો છે
કોંગ્રેસી આગેવાન ઇભલા શેઠને માર માર્યાનો કેસ છેક ૧૯૮૪નો છે. જેમાં તે વખતે અબડાસા તાલુકાના નલિયામાં સુલેમાન હાજી આમિદ નામના શખસને પોલીસે પકડયો હતો. ગુજરાતમાં ત્યારે કોંગ્રેસ સત્તા પર હતી અને હાજી ઇબ્રાહીમ મંધરા એટલે કે ઈભલા શેઠ મુસ્લિમ સમુદાયના અગ્રણી ગણાતા હતા. ઇભલા શેઠ નલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને સુલેમાન હાજી આમિદ માટે ભલામણ કરી હતી, પરંતુ તેમની વાત કોઇએ સાંભળી નહીં. તેથી ઇભલા શેઠે તે સમયના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિજયદાસ મહંતને વાત કરી હતી. તેઓ ભુજમાં વિજયદાસ મહંતને મળ્યા અને મહંતે તેમને કચ્છના તે સમયના જિલ્લા પોલીસ વડા કુલદિપ શર્માને મળવા કહ્યું હતું.
ધારાસભ્ય મળવા માટે ગયા ત્યારે શર્માએ કહ્યું ‘દાણચોરોને લઇને અહીં આવો છો,
ઇભલા શેઠ અને અબડાસાના તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી સહિત ૮ લોકો કુલદિપ શર્માને મળવા માટે ગયા હતા. તેમણે સુલેમાન હાજી આમિદ સહિત પકડાયેલા ચાર લોકોને હેરાન કરાતા હોવાની રજૂઆત કરી હતી. તેમની રજૂઆત સાંભળ્યા બાદ કુલદિપ શર્માએ તમામનો પરિચય પુછ્યો હતો અને ધારાસભ્ય ખરાશંકર જોષીને શર્માએ કહ્યું કે, દાણચોરોને લઇને અહીં આવો છો.
કુલદિપ શર્માએ ઇભલા શેઠને રોકીને બાકીનાઓને જવા દીધા
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કુલદિપ શર્માએ ઇભલા શેઠને ત્યાં જ રોકાવાનું કહ્યું જયારે બાકીના લોકોને જવા દીધા હતા. બીજા લોકો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિજયદાસ મહંતને મળવા ગયા ત્યારે કુલદિપ શર્મા સહિત ત્રણ અધિકારીઓ ઇભલા શેઠને મારવા લાગ્યા હતા તેમની ચીસો સંભળાતી હતી. અડધા કલાક બાદ ઇભલા શેઠ રિક્ષા કરીને ભુજના ઉમેદ ભવનમાં આવ્યા હતા. મારના કારણે તેઓ ચાલી શકે તેમ નહોતા તેથી ત્યાંથી તેમને કોઠારા લઇ જઇને સારવાર કરાવાઇ હતી.
કેસનો નિકાલ કરવા માટે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી અરજીઓ થઇ હતી
શંકરલાલ જોષી દ્વારા થયેલા આ કેસનો નિકાલ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ સુધી અરજીઓ કરવામાં આવી હતી બાદમાં ભુજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.એમ.પ્રજાપતિએ કુલદિપ શર્મા અને પીએસાઇ ને ૩ મહિનાની સાદી કેદ અને રૂ. ૧ હજારનો દંડ કર્યો હતો.