ચોપડવા હાઈવે પર ટ્રેઈલરે રિક્ષાને હડફેટે લેતાં પુત્ર અને માતાના કરુણ મોત : બે ઈજાગ્રસ્ત
ભચાઉ તાલુકાના ચોપડવા હાઈવે પર ગોલ્ડન ઈગલ હોટેલ પાસે રાત્રિના અરસામાં માતેલા સાંઢની જેમ દોડી જતાં ટ્રેઇલર આગળ જતી રિક્ષાને હડફેટે લીધી હતી, જેમાં સવાર બાળકી સહિત ૪ લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ત્યારે માતા, પુત્રને સારવાર સાંપડે એ પહેલાં તેમના કરુણ મોત નીપજતાં ગમગીની છવાઈ ગઈ હતી.
પડાણાથી પોતાના ગામડે છાડવાડા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના ૨ વાગ્યાના અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. ભચાઉ તાલુકાના છાડવાડા ગામમાં રહેતા બાબુ રણછોડ કોળી, ઉ.વ. ૩૫ તથા તેમના માતા મધુબેન રણછોડ કોળી, ઉ.વ. ૫૪ તથા બાબુ કોળીની પુત્રી શીતલબેન, ઉ.વ. ૬ અને સુનીલ જેસિંગ કોળી, ઉ.વ. ૨૬ જેઓ તમામે ગાંધીધામ તાલુકાના પડાણાથી પોતાના ગામ છાડવાડા જતા હતા. ત્યારે પરિવાર ભચાઉ તાલુકાના ચોપડવા હાઈવે પર ગોલ્ડન ઈગલ હોટેલ પાસે પહોંચતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
પૂરપાટ જતા ટ્રેલરના ચાલકે આગળ જતી રિક્ષાને હડફેટે લીધી
હાઈવે ઉપર માતેલા સાંઢની માક્ક દોડી જતાં ટ્રેઇલરે આગળ જતી રિક્ષાને હડફેટે લીધી હતી. અકસ્માતની ગોઝારી ઘટનામાં ચારેય લોકોને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ત્યારે બાબુ કોળી અને મધુબેનને સારવાર સાંપડે એ પહેલાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી. બીજીતરફ બાળકી તથા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.