વરસાણા પાસેની પ્લાયની ફેક્ટરીમાં બોઇલરની લાઈન ફાટતાં આગ અને કાસેઝની કંપનીમાં આગ લાગતા મશીનરી ભાસ્મીભૂત થઈ
અંજાર તાલુકાના વરસાણા નજીક આવેલી પ્લાયની કંપનીમાં બોઇલરની કેડર લાઇન ફાટતાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બીજીબાજુ ગાંધીધામના કાસેઝમાં આવેલી કંપનીમાં રાત્રિના ભાગે આગ ભભૂકતાં વપરાયેલાં કપડાં, મશીનરી, શેડ વગેરે બધું સળગી ગયું હતું. આગના આ બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
વરસાણા પાસેની C. P. L. પ્લાયની ફેક્ટરીમાં બન્યો હતો આગનો બનાવ
વરસાણા ચોકડી પાસે આવેલી સી.પી.એલ. નામની પ્લાયની ફેક્ટરીમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કંપનીમાં આવેલા બોઇલર સાથે જોડાયેલી કેડર લાઇન લીક થતાં આગનો બનાવ બન્યો હતો. બોઇલરમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતાં કામદારોમાં ભારે દોડધામ થઇ પડી હતી. બનાવ અંગે અગ્નિશમન દળોને જાણ કરાતાં ભચાઉ નગરપાલિકા અને કંડલા ટિમ્બર એસોસિયેશનના લાયબંબા અહીં દોડી આવ્યા હતા અને આગની જ્વાળાઓને શાંત પાડવા પાણીનો મારો ચલાવ્યો હતો. અગ્નિશમન દળના જવાનોએ દોડધામ આદરી કલાકો બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
પૂર્વ કચ્છમાં ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાયો
પૂર્વ કચ્છની કંપનીઓમાં બોઇલરોમાં આગ ફાટવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે આવા બનાવો અટકાવવા કડક અને યોગ્ય કાર્યવાહી કરાય તે સમયની માંગ છે. ભચાઉ અગ્નિશમન દળના પ્રવીણ દાફડા, કુલદીપ, શક્તિસિંહ સોઢા તથા કંડલા ટિમ્બરના વિજય પ્રજાપતિ અને સ્ટાફ આ કાર્યવાહી જોડાયો હતો.
ગાંધીધામના કાસેઝમાં અનિતા એક્સપોર્ટ કંપનીમાં લાગી આગ
ગાંધીધામ કાસેઝમાં સેક્ટર-4માં પ્લોટ નંબર 410-બી અનિતા એક્સપોર્ટ નામની કંપનીમાં ગત તા. 20/9ના રાત્રિના ભાગે આગ લાગી હતી. આ કંપનીમાં અગાઉ પણ આગના બનાવો બની ચૂક્યા છે. કંપનીમાં આવેલા ફિડરમાં વીજળી ગયા બાદ ફરીથી આવતાં ઓફિસમાં ધડાકાનો અવાજ થયો હતો. થોડીવાર બાદ કંપનીના શેડમાં ધુમાડાના ગોટેગોટા નીકળવા મંડયા હતા. આગ લાગતાં અગ્નિશમન દળને જાણ કરાઇ હતી.
ભયાવહ આગને કારણે શેડમાં રહેલા વપરાયેલાં કપડાં, મશીનરી, પ્રોસેસિંગમાં વપરાતી સામગ્રી, સંપૂર્ણ શેડ સળગી ઉઠી
દળના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવી આગને ઠંડી પાડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ વિકરાળ આગ બીજા દિવસે શાંત પડી હતી. આ ભયાવહ આગને કારણે શેડમાં રહેલા વપરાયેલાં કપડાં, મશીનરી, પ્રોસેસિંગમાં વપરાતી સામગ્રી, સંપૂર્ણ શેડ સળગી ગયો હતો, જેમાં મોટી રકમની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ અંગે રામ સામત વરૂ (આહીર)એ પોલીસને જાણ કરી હતી.