સુરત: ગુજસીટોકથી સદ્દામ-ગોડીલ ગેંગ થથરી, પચાવી પાડેલા 3.50 કરોડની કિમતવાળા બંગલાની ચાવી સામે ચાલીને આપી, ડો.ઝાકીર મેમણે માન્યો પોલીસ કમિશનરનો આભાર
ગુજસીટોકના ભયથી સદ્દામ-ગોડીલ ગેંગ થથરી જવા પામી છે. સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ ચાર વર્ષથી જે બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તે 3.50 કરોડની કિંમતના બંગલાની ચાવી ગુજસીટોકનો ગુનો દાખલ થતા જ સામે ચાલીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજીને) સોંપી દીધી હતી, ચાર વર્ષ બાદ ડોક્ટરે પોતાના બંગલામાં પગ મુક્યો. બંગલાની ચાવી પોતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પીડિત ડોક્ટર દંપતિને આપવામાં આવી હતી.
ડો.મોહમદ ઝાકીર ઐયુબભાઇ મેમણ (રહે.બંગ્લો નંબર-47 અમી રો-હાઉસ, મેરૂલક્ષ્મી સોસાયટી સામે, તાડવાડી, ગોરાટ રોડ,સુરત) ની માલિકીની જગ્યા ગૌરાટ રોડ તાડવાડી મૈરૂ લક્ષ્મી સોસાયટીની સામે અમી રો-હાઉસ ખાતે આવેલા બંગ્લા નં.45 વાળી મિલકત “સદામ-ગોડીલ” ગેંગના મુખ્ય સૂત્રધાર ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ ઈકબાલ બચાવ તથા તેની ગેંગના સાગરિતોએ છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો કરી મિલકત પડાવી લીધી હતી.
દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સુચના મુજબ એસઓજી તથા ચોક બજાર પોલીસ દ્વારા સંયુકત રીતે જહેમત ઉઠાવી સદામ-ગૌડીલ ગેંગ વિરુદ્ધમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ડો.મોહંમદ ઝાર્કોર મેમણની કબજે કારયેલા બંગલાની ચાવી એસઓજીને સુપ્રત કરાઈ હતી. બાદમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે બંગલાની ચાવી તેમના પરીવારને સુપ્રત કરાતા પોલીસનો આભાર માન્યો હતો.