અંજાર અને આદિપુરમાં અનેક બાઈક ચોરીઓ તથા ચેન સ્નેચિંગના બનાવને અંજામ આપતી ચીખલીગર ગેંગના બે સાગરીત પકડી પડાયા
પૂર્વ કચ્છના અંજાર અને આદિપુરમાં બાઈક ચોરી અને ચેનની ચિલઝડપ કરવાના બનાવો વધ્યા છે ત્યારે આ બનાવોને અંજામ આપનારી ચીખલી ગેંગના બે સાગરીતોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરાઉ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બંનેને પકડીને કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા
પૂર્વ કચ્છ એલ.સી.બી. અને આદિપુર પોલીસે ચીખલીગર ગેંગના રાજાસિંઘ નારસિંઘ બાધા (સરદાર) તથા રામજાનેસિંઘ નારસિંઘ બાધા (સરદાર) નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી પોલીસે બાઇક નંબર જી.જે. 12 બી.ક્યુ. 0526, સોનાંની બે ચેન, રોકડ રૂપિયા તથા મોબાઇલ જપ્ત કર્યા હતા. આ બંને શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ શખ્સોએ આદિપુરમાં તથા અંજારમાં ચીલઝડપ અને બાઇક ચોરીના બનાવોને અંજામ આપ્યા હતા.
ટોળકીના શખ્સો સામે જૂનાગઢ, અંજાર, ચોટીલા, માધાપર સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુનાઓ
આદિપુરના ચાર, અંજારના બે તથા રાધનપુર, જૂનાગઢ, ચોટીલા અને માધાપરના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. ટોળકીના રાજાસિંઘ સામે અગાઉ ગાંધીધામ એ-બી, રાધનપુર, જૂનાગઢ, ચોટીલા, મોરબી, બોટાદ, અંજાર, મુંદરા, રાજકોટ, વડનગર સહિત 16 જુદા-જુદા ગુના નોંધાયેલા છે તેમજ રામજાનેસિંઘ સામે મહેસાણા, બનાસકાંઠા, મોરબીમાં જુદા-જુદા છ ગુના નોંધાયેલા છે. રીઢા એવા આ આરોપીઓએ અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ ? તથા અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.