ગાંધીધામ મહાનગરપાલિકામાં વધુ પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાતા તાલુકો વિસર્જન ભણી
ગાંધીધામ મહાનગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ વિવિધ પ્રકારના વિવાદો થઈ રહ્યા છે. અગાઉ જે ગામોને મહાપાલિકામાં સમાવાયા તેનો વિરોધ હજુ શમ્યો નથી ત્યાં હવે વધુ પાંચ ગામોને પણ મહાપાલિકામાં સમાવવાની જાહેરાતથી ફરીવાર ચર્ચાઓ શરુ થઈ છે.
ગાંધીધામ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની બાવન બેઠકો માટે વોર્ડનું સીમાંકન પણ થઈ ગયા પછી હવે પાંચ ગ્રામપંચાયતો પડાણા, ચુડવા, ખારીરોહર, મીઠીરોહર અને ભારાપરને સમાવવાની જાહેરાત કરવામાં આવતાં નવેસરથી વોર્ડ સીમાંકનની કામગીરી હાથ ધરવી પડે તેવી શક્યતા ઊભી થઈ છે.
અગાઉ ગાંધીધામ, આદિપુર ઉપરાંત શિણાય, અંતરજાળ, મેઘપર સહિત ગામ સમાવાયા
ગાંધીધામ મહાનગરપાલિકામાં અગાઉ વિરોધ વચ્ચે શિણાય, અંતરજાળ, મેઘપર કુંભારડી, મેથપર બોરીચી, ગળપાદર, કિડાણા ગ્રામપંચાયતોને મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવી લેવાયા હતા.
બાદમાં, ગત સપ્તાહે ગાંધીધામ સહિત અન્ય મહાનગરપાલિકાઓના વોર્ડના સીમાંકનની જાહેરાત પણ કરવામાં આવી હતી. તે મુજબ ગાંધીધામમાં ૧૩ બોર્ડની બાવન બેઠકો. યથાવત્ રહી હતી, પરંતુ અનેકવિધ સમીકરણો બદલાયા હતા અને રાજકીય પંડિતોના મત મુજબ આ નવા સીમાંકનના પગલે કેટલાક આગેવાનોને અસર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી.
ગાંધીધામ મહાનગરપાલિકામાં વધુ પાંચ ગામો ઉમેરાતા રાજકારણ ગરમાયું
આ દરમિયાનમાં વાંધા પણ રજૂ કરવા માટે તૈયારી વચ્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચુડવા, પડાણા, ખારીરોહર, મીઠીરોહર અને ભારાપરને સમાવી લેવાનું જાહેરનામું બહાર પાડયું હતું, જેના પગલે રાજકારણમાં ગરમાયું હતું.
અન્ય મહાપલિકાઓ સાથે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગાંધીધામ મહાપાલિકાની ચૂંટણીની સંભાવના નહિવત
જાણકાર વર્તુળોના મત મુજબ નવી કોર્પોરેશનની રચના થતાં કરવામાં ડિસેમ્બર કે જાન્યુઆરી આસપાસ ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના હતી. તેમાં ગાંધીધામ કોર્પોરેશનમાં હવે આ નવી વ્યવસ્થા ઊભી કરવાની લઈને જે તે સમયે ચૂંટણી થવાને બદલે તેમાં વિલંબ થાય તેવી શક્યતા છે.
હવે વોર્ડ સીમાંકનમાં ફેરફાર કરવામાં આવશે અને તેની પ્રક્રિયા પાછળ એકાદ મહિનાનો સમય લાગી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
કચ્છના સૌથી નાના તાલુકા ગાંધીધામનું અસ્તિત્વ પર પૂર્ણ વિરામ મુકાશે
કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો ગાંધીધામ હતો તેનું પણ હવે પાંચ ગ્રામપંચાયતોને કોર્પોરેશનમાં મેળવવાની જાહેરાત બાદ અસ્તિત્વ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી કંડલાને પણ ગાંધીધામ તાલુકામાં સમાવી લેવા માટે માગણીઓ થતી રહી છે. વિવિધ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારને પણ કોર્પોરેશન વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યું હોત તો સારું હતું તેવી આ વિસ્તારના લોકોની લાગણી છે.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરાયેલા ઠરાવને સરકાર દ્વારા અપાઈ મંજૂરી
ભુજમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં ગાંધીધામના બાકી રહેલી પાંચ ગ્રામ પંચાયતોને મહાનગર પાલિકામાં સમાવી લેવા માટે ઠરાવ કરાયો હતો. જેને રાજ્ય સરકારમાં મોકલાતાં સરકાર દ્વારા મંજૂરી અપાતા હાલમાં જાહેરાત કરાઈ હતી.
કોંગ્રેસની સીમાંકન બાબતની બેઠક ચાલુ હતી ત્યાં નવી જાહેરાત અંગે જાણવા મળતા ચર્ચા શરૂ થઈ
કોંગ્રેસ દ્વારા સીમાંકન મુદ્દે કાર્યકરોની બેઠક બોલાવાઈ હતી. આ બેઠક સાંજે ચાલુ હતી, તે સમયે જ નવી પંચાયતોના સમાવેશની જાણકારી મળતા ચર્ચાનો વિષય બની હતી. આ ઉપરાંત બીજી બાજુ જે તે ગ્રામપંચાયતોનું અસ્તિત્વ પણ મટી ગયું ત્યારે બીજી તરફ પંચાયતના જે બાકી રહેલા સભ્યો પણ હવે સભ્યપદ બંધ થતાં ગાંધીધામ તાલુકામાં પ્રમુખ સહિતનાને પણ તેની અસર થઈ હોવાની ચર્ચા ઉઠી હતી.
જો અને તો ની સ્થિતિ વચ્ચે સરકારમાંથી હવે નવી શું સૂચના આવે છે તેના પર સૌની નઝર
હાલમાં જો અને તોની સ્થિતિમાં શું થાય તે કહી શકાય તેમ નથી. આ બાબતે સરકારમાંથી શું સૂચના આવે છે તેની ઉપર સથળો મદાર છે.હાલ તો વિસ્તાર અને વસ્તીમાં વધારો થતાં કોર્પોરેશનને અન્ય મુશ્કેલીઓ પડે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે, જે નવી ગામપંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો તેમાં પણ હજુ આઠ મહિનાથી વધુ સમય થયા છતાં મહાનગરપાલિકા વ્યવસ્થિત સેટઅપ ગોઠવી શકી નથી તેવી ફરિયાદો ઉઠતી રહી છે. આવા જ સંજોગોમાં હવે નવા વિસ્તારોનો સમાવેશ થતાં લોકોની સમસ્યાઓના નિરાકરણ કેવી રીતે આવશે તે જોવું રહ્યું.