વાંઢિયામાં અદાણી કંપનીની વીજલાઇનનો વિરોધ કરતાં ૪૫ ખેડૂતોની પોલીસે અટક કરતાં મામલો ઉગ્ર બન્યો
અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ સુધી હેવી વીજલાઇન નાખવામાં આવી રહી છે, જે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતોની ખેતીલાયક જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ખેડૂતોને લાઇન નાખવા માટેનું પુરતા પ્રમાણમાં વળતર પણ આપવામાં આવી રહ્યું નથી તેવા આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા ઘણા દિવસોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં કોઇ નિકાલ આવ્યો નહોતો, ત્યારે બીજી તરફ ખેડૂતોએ સ્થળ પર કિસાન સંઘના સહયોગથી ધરણા ચાલુ જ રાખ્યા છે તેવામાં પોલીસે ૪૫ જેટલા ખેડૂતોની અટક કરી લેતાં મામલે વધુ એકવાર ગરમાયો હતો.
વીજ પોલ નાખવાથી ખેતીની જમીનનો વ્યાપક નુકસાન થઇ રહ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ
વાંઢિયા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેતીની જમીનમાં વીજલાઇન અને વીજ પોલ ના ખવાના કારણે ખેતીની જમીનને વ્યાપકપણે નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતો દ્વારા વીજ કંપની પાસે યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેમ છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યા નહોતા.
પોલીસે ૪૫ જેટલા મહિલા-પુરૂષોની અટક કરતાં વાત વણસી ગઇ
ભારતીય કિસાન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે, વળતર આપ્યા વિના જ વીજલાઇન અને વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેથી વાંઢિયામાં ગુરૂવારે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન પોલીસે ત્યાં હાજર રહેલા ૪૫ જેટલા મહિલા-પુરૂષ ખેડૂતોની અટક કરી લેતાં વાત વધુ વણસી ગઇ હતી.