વિજપાસર તથા દેવીસર ગામમાં જુગાર રમતાં ૮ શખસો રૂ.૨૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડાયા
કચ્છમાં કેટલાક વર્ષોથી જુગારના પડ બારે માસ મંડાયેલા રહે છે. અગાઉ માત્ર શ્રાવણ માસ નિમિત્તે જ રમાતી જુગાર હવે બારમાસી થઇ ચુકી છે. આવા સમયે પોલીસ દ્વારા પણ વારંવાર દરોડાઓ પાડીને જુગારની બદીને નાબુદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં સંપૂર્ણ સફળતા મળી નહોય તેમ છાશવારે જુગારીઓ પકડાતા રહે છે. તાજેતરમાં ભચાઉ તાલુકાના વિજપાસર તથા નખત્રાણા તાલુકાના દેવીસર ગામે રમાઇ રહેલા જુગાર પર દરોડા પાડીને કુલ ૮ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
વિજપાસરના દરોડામાં રૂ.૧૭૭૦૦ની રોકડ સાથે પાંચ ખેલીઓને પકડી પડાયા
પોલીસને બાતમી મળી કે, વિજપાસર ગામે ભરત અણદા પ્રજાપતિના ઘરની પાસે ગંજીપાના વડે જુગાર રમાઇ રહ્યો છે. તેથી પોલીસે ત્યાં જઈને દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસે આરોપી ભચાઉના વિનોદ પિતાંબર ઠક્કર, ભરત રામજી પ્રજાપતિ, કરસન બીમજી પ્રજાપતિ, રણછોડ અંબાલાલ પ્રજાપતિ, વિજપાસરના ભરત અણંદા પ્રજાપતિને જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૭,૭૦૦ ઉપરાંત ચાર મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દેવીસરમાં પબામાંના મંદિર પાસે જામેલી જુગારીઓની બાજી પર પોલીસ ત્રાટકી
નખત્રાણા તાલુકાના દેવીસરમાં આવેલા પબામાંના મંદિર પાસે ખેતરની બાજુમાં ખુલ્લા પટમાં છાપરા નીચે પત્તા વડે હારજીતનો જુગાર ૨માઇ રહ્યો હોવાની બાતમી નખત્રાણા પોલીસને મળી હતી. તેથી પોલીસે ત્યાં જઇને દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા ઇકબાલ સાલેમામદ જુણેજા. ભરત નારાણ દાફડા અને અનવર ખમીશા જુણેજાને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે કરશન આહિર અને મેઘા આહિર નાશી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે દરોડામાં રોકડા રૂ.૧૦ ૨૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.