મિરઝાપરમાં 12 વર્ષીય બાળકી પર 70 વર્ષના વૃદ્ધ દુકાનદારે દુષ્કર્મનો પ્રયાસ કરતાં 20 વર્ષની કેદ ફટકરાઈ
ભુજ તાલુકાના મિરઝાપર ગામમાં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા ૭૦ વર્ષીય વૃદ્ધને ર૦ વર્ષને કેદની સજા તેમજ રૂ. ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બાળકી દુકાને રાશન લેવા માટે ગઈ ત્યારે આરોપીની નિયત બગડી
ફરિયાદીની ૧૨ વર્ષની દીકરી તા.૩૦-૯-૨૦૨૪ના સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં નાનાભાઈ સાથે ૭૦ વર્ષીય વૃદ્ધ આરોપી ઈશાક અલીભાઈ કુંભારની દુકાને રાશન લેવા માટે ગઈ હતી. આ દરમ્યાન આરોપી ઈશાક કુંભારે બાળાના નાના ભાઈને રૂ.૫૦ આપીને બીજી દુકાને નાસ્તો લેવા માટે મોકલી આપ્યો હતો. બાદમાં, આરોપીએ બાળકીને પકડીને દુકાનમાંથી પાછળ આવેલા મકાનના એક રૂમમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
બાળકીએ બુમાબુમ કરતાં નાનોભાઈ દોડી આવ્યો અને દુકાનદારે બાળાને ધમકી આપી
આ દરમ્યાન બાળકીએ બૂમાબૂમ કરતાં તેનો નાનો ભાઈ ત્યાં આવી ગયો હતો. જોકે, આરોપીએ બાળકીને બનાવ અંગે કોઈને કંઈપણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાળકી તેના ભાઈ સાથે રાશન લઈને ઘરે પરત ફરી હતી.
બીજા દિવસે પેટમાં દુ:ખાવો થતાં માતાને સમગ્ર બનાવની જાણ કરી
બનાવના બીજા દિવસે બાળકીને પેટમાં દુઃખાવો થતાં સમગ્ર બનાવ અંગે બાળકીએ તેની માતાને જાણ કરી હતી. તેથી બાળકીની માતા તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ચેક અપ કરાવવા માટે લઈ ગઈ હતી, જ્યાં બાળા પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું બહાર આવતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ દ્વારા અપાયો ચુકાદો
બનાવમાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ ભુજના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને ૨૦ વર્ષની સજા અને રૂ.૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.
કોર્ટમાં ૧૫ દસ્તાવેજી પુરાવા તેમજ ૬ સાક્ષીને તપાસવામાં આવ્યા
કેસમાં પ્રોસિક્યુશન તરફે ૧૫ દસ્તાવેજી પુરાવા તથા ૬ સાક્ષી તપાસમાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીને બીએનએસ કલમ ૬૫(૧) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૨૫ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજા, બીએનએસ કલમ ૩૫૧(૩)ના ગુનામાં ૧ વર્ષની સાદી કેદ અને રૂ.૫ હજારનો દંડ,પોક્સો એક્ટ ૪ના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૨૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની વધુ સખત કેદની સજા ફટકારાઇ હતી.
બાળકીને રૂ.૪ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકીને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા સીડબલ્યુસી તથા ડીસીપીયુને હુકમ કર્યો હતો કે, તેઓ બાળકીનો સંપર્ક કરીને તેનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃસ્થાપિત થાય તેની કાળજી લઇને યોગ્ય માર્ગદર્શન આપે તેવો હુકમ કર્યો હતો.