કંડલાથી ગળપાદર વચ્ચે સુરક્ષા કર્મચારી તથા ટ્રકચાલકોએ મિલીભગત કરીને રૂ.51 લાખનું પામતેલ સગેવગે કરી નાખ્યું
કંડલામાં સુરક્ષા કર્મચારી તથા, ટ્રકચાલકોએ મળીને ગુનાહિત કાવતરૂં રચીને વે-બ્રિજના વજનકાંટામાં ફેરફાર કરીને ટ્રકમાં રહેલો ક્રૂડ સોયાબીન તથા પામતેલનો જથ્થો નિર્ધારિત સ્થળે નહીં પહોંચાડીને કુલ રૂ.૫૧.૧૫ લાખની ઠગાઇ કરી હતી. જે અંગે કંડલા મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટૂકો જ્યારે વજન કાંટા પર આવે ત્યારે કાંટો ન્યુલ કરી નાખીને ગેરરીતી આચરતા
કંડલા મરિન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોકુલ એગ્રો રિસોર્સિસ કંપનીનો પ્લાન્ટ ગળપાદરમાં અને ટર્મિનલ કંડલા ખાતે કાર્યરત છે.જેમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો રોનકસિંહ જગતપાલસિંહે કંપનીમાં માલ ભરવા માટે આવતા ડ્રાઇવર દિલીપ ગઢવી અને રાજેશ ગઢવી સાથે મળીને ગેરરિતી આચરતો હતો. આરોપીઓ એકબીજા સાથે મિલીભગત કરીને જ્યારે દિલીપ તથા રાજેશની ટ્રકો વજનકાંટે આવે ત્યારે કાંટો ન્યુટ્રલ કરી નાખતો હતો.
કંડલાથી ગળપાદર જતી ટ્રક સમયસર નહીં આવતા તપાસ કરાઇ ત્યારે ખુલ્યું કાંડ
કંડલાથી ગળપાદર જતી ટ્રક સમયસર નહીં આવતાં કંપનીના મેનેજ૨ને શંકા પડી હતી તેથી કમચારીઓને સુચના આપીને તપાસ કરાવવામાં આવી હતી. જેમાં આ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરરિતીમાં ત્રણેય આરોપીઓએ મળીને કુલ રૂ.૫૧,૧૫,૫૦૦ની કિંમતના તેલનો જથ્થો નિર્ધારિત સ્થળે નહીં પહોંચાડીને કંડલાથી ગળપાદર વચ્ચે વેચાણ અથવા સગેવગે કરી નાખ્યો હતો. તેથી કંડલા મિરન પોલીસમાં ટર્મિનલ મેનેજર મહેન્દ્ર ગુલાબરાય ટહીલરામાનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સામાન્ય રીતે ડ્રાઇવરો બે કલાકમાં પહોંચતા જ્યારે આરોપીઓને ૩ કલાકનો સમય લાગતો
ડ્રાઇવરોએ સુરક્ષા કર્મચારીની મિલીભગતથી બંન્ને વાહનોમાં અલગ-અલગ સમયે ૩૯.૩૫ ટન ક્રુડ સોયાબીન પામતેલનો જથ્થો વધારે ભરી નાખ્યો હતો. આ ઉપરાંત કંડલાથી ગળપાદર રવાના કરાતા અન્ય વાહનોને ૨ કલાકનો સમય લાગતો હતો જ્યારે આ બંન્ને ડ્રાઇવરોને પહોંચતા ૩ કલાકનો સમય લાગતો હતો તેથી સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં કંપનીનો સુરક્ષા કર્મચારી જ્યારે બંન્ને વાહનો ગેટ પર આવે ત્યારે વજનકાંટા પાસે આવી જતો હોવાનું જોવા મળ્યું હતું. આમ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.