હવે નવેસરથી ટેન્ડર બહાર પડાશે અને કોન્ટ્રાકટરો ભરશે : ડિપોઝીટ-બિલમાં કડક વલણ ઢીલુ થઇ ગયું શહેરમાં રોડ રિસરફેસની કામગીરી ઠપ્પ કરી દઇ નાક દબાવનારા રોડનાં કોન્ટ્રાકટરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લઇને મ્યુનિ.સત્તાધીશોએ તેમની નબળાઇ છતી કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસામાં શહેરના મોટાભાગનાં રોડ ધોવાઇને તૂટી ગયાં ત્યારબાદ હાકલા પડકારા કરી રોડનાં નમૂના લેવડાવ્યા અને કોન્ટ્રાકટરોએ ડામર સહિતના મટીરીયલની ચોરી કરી છે તેવુ પ્રતિપાદિત કરી કોન્ટ્રાકટરો પાસેથી લાખો રૂપિયાની રિકવરી કાઢનારા મ્યુનિ.સત્તાધીશો સામે રોડનાં કોન્ટ્રાકટરોએ રીંગ કરી નવા ટેન્ડર ભરવાનુ બંધ કરી દીધુ અને મજૂરો નથી તેવા જાતજાતનાં બહાના કાઢી જુનાં ટેન્ડરનાં કામો પણ હજુ સુધી શરૂ કર્યા નથી.
મ્યુનિ.માં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ, ચોમાસા બાદ રોડનાં કામો શરૂ થઇ જાય અને શિયાળાનાં અંત સુધીમાં તો મહદઅંશે કામો પૂરા પણ કરી દેવાતાં હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી રોડ રિસરફેસની કામગીરી એવી ખોરંભે પડી છે કે, કયા વર્ષનાં બજેટનાં રોડનાં ટેન્ડર કયાં સુધી ચાલી રહયાં છે તે જ સત્ય છુપાવવામાં આવી રહ્યુ છે.
રોડ રિસરફેસની કામગીરી જ નહિ થતાં શાસક ભાજપનાં કોર્પોરેટરો અને ધારાસભ્યો નારાજગી વ્યકત કરવા સિવાય કશુ કરી શકતા નથી, પરંતુ તેનાં પડઘા ગાંધીનગર સુધી અને નવી દિલ્હી સુધી પડયાં હોવાની માહિતી મ્યુનિ. ભાજપમાંથી સાંપડી હતી. આગામી લોકસભા ચૂંટણી સુધી શહેરનાં રોડ રિસરફેસ નહિ થતાં અને ભાજપના ગઢ સમાન વિસ્તાર ગોતામાં લોકોએ રોડનાં બેસણા યોજયા બાદ હવે બીજા વિસ્તારોમાં પણ તેની નકલ થવાનો ભય ભાજપને સતાવી રહયો છે.
રોડનાં મામલે ચોમાસા દરમિયાન શહેરીજનોમાં જે રીતનો આક્રોશ છવાયો હતો તેવો જ આક્રોશ ફરી જાગે તે પહેલાં ઉપરથી મળેલાં આદેશ મુજબ મ્યુનિ. સત્તાધીશોએ રોડનાં કોન્ટ્રાકટરો સાથે બેઠક યોજી હતી અને તેમાં ખાસ કરીને સિકયોરીટી ડિપોઝીટ તેમજ બિલ ચૂકવણા સહિતની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં સત્તાધીશોએ સહેજ પણ નાનમ અનુભવી નહોતી.
મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રોડનાં કોન્ટ્રાકટરો પોતાનો કોલર ઉંચો રાખવામા સફળ નીવડયા છે અને હવે તેઓ નવેસરથી ટેન્ડર બહાર પડાશે તે ભરવા સંમત થયાં છે, તે જોતાં રોડ રિસરફેસનાં કામો ટૂંક સમયમાં શરૂ થશે.
રોડનાં કોન્ટ્રાકટરો અને ઇજનેરોને આપેલી નોટિસો-વસુલાતનુ શું?
રોડ રિસરફેસની કામગીરીમાં મટીરીયલની ચોરી થઇ છે તેવા રિપોર્ટ બાદ કેટલાક કોન્ટ્રાકટરોને લાખો રૂપિયા પરત જમા કરાવવા નોટિસ ફટકારવામાં આવી છે તદઉપરાંત કોન્ટ્રાકટરો સાથે મિલીભગતનાં આક્ષેપો થયાં બાદ ઇજનેર અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસો ફટકારવામા આવી છે તેને ચૂપચાપ અભરાઇએ ચઢાવી દેવાશે તેવુ મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઇ રહયુ છે. જોકે હાઇકોર્ટમાં બાકીનાં રોડનાં રિપોર્ટ રજૂ કરાયા કે નહિ અને તેનાં આધારે કોની સામે શું પગલા લીધા તે માહિતી પણ ઉચ્ચ અધિકારીઓ છુપાવી રહયાં છે તે પણ એક હકીકત છે.
રોડનાં કોન્ટ્રાકટરો માટે નવેસરથી નિયમો જાહેર કરાયાં
રોડનાં કોન્ટ્રાકટરો સામે ઘૂંટણીએ પડી ગયેલાં મ્યુનિ. સત્તાધીશોએ કોન્ટ્રાકટરોની માંગણીઓ મુજબ રોડ રિસરફેસને લઇ નવેસરથી નિયમો અને અમલીકરણની પધ્ધતિઓ જાહેર કરી છે.