અંજારમાં લગાવાયેલું ધાર્મિક પોસ્ટર પોલીસની સમજાવટ બાદ સ્વેચ્છાએ ઉતારી લેવાયું
અંજારમાં ધાર્મિક પોસ્ટર વિવાદ વકરતાં પોલીસ મથકનો ઘેરાવ કરાયો હતો. બાદમાં પોલીસની કુનેહ અને સમજુ અગ્રણીઓની સમજદારીથી મોડી રાત્રે અગ્રણીઓની હાજરીમાં સ્વેચ્છાએ પોસ્ટર હટાવી લેવાયું હતું. આ ઉપરાંત અંજાર શહેરમાં પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જ્યાં પોસ્ટર લાગેલું હતું તે સ્થળે પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
અંજારના દેવળીયા નાકા વિસ્તારમાં લગાવાયું હતું ધાર્મિક પોસ્ટર
અંજાર શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં બે દિવસ પહેલા ધાર્મિક પોસ્ટર લગાવાયું હતું, જે અંગે પોલીસનું ધ્યાન ગયું હતું. બાદમાં પાલિકા તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બોલાવાયા બાદ આ બોર્ડ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટર હટાવવું કે ન હટાવવુંની વાતો વચ્ચે એક જ સમુદાયના બે પક્ષ વચ્ચે ભિન્ન-ભિન્ન મત પ્રવર્ત્યા હતા. આ દરમ્યાન, અગ્રણીઓ તથા પોલીસની કુનેહ બાદ મામલો થાળે પડયો હતો અને પોસ્ટર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોસ્ટર પર કોઈએ અન્ય સ્ટીકર લગાવતા મામલો બિચક્યો
આ પોસ્ટર ઉપર કોઈએ સ્ટીકર લગાવી દેતા મામલો ગરમાયો હતો.જેના પરિણામે શુક્રવારે એક સમુદાયે પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો, ત્યારે પોલીસે કુનેહ વેપારી સમજુ અગ્રણીઓને સમજાવ્યા હતા. એક સમયે વાતાવરણ ગરમ બન્યું હતું. આ વેળાએ પોલીસવડા પણ અંજાર દોડી ગયા હતા અને શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમજાવટ થયા બાદ સમુદાયના અગ્રણીઓ તથા પોલીસની હાજરીમાં વીડિયો રેકોર્ડિંગ સાથે પોસ્ટર હટાવી લેવામાં આવ્યું હતું.
શહેરમાં શાંતિમય વાતાવરણ બનાવી રાખવા માટે ફૂટ પેટ્રોલિંગ
પી.આઇ. એ. આર. ગોહિલે જણાવ્યું હતું કે, સવારે પોલીસ મથકથી દેવળિયા નાકા, 12 મીટર રોડ, ખત્રીચોક, ગંગા નાકા, શેખટીંબા ઇદગાહ, માધવરાય ચોક, સોરઠિયા ફળિયું થઇ પરત પોલીસ મથક સુધી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી, અંજાર પી.આઇ. એ. આર. ગોહિલ સહિત 200 પોલીસ જવાન જોડાયા હતા.
પોલીસ દ્વારા રાત્રીના સમયે પણ પેટ્રોલિંગ ચાલુ રખાયું
અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ જારી રાખવામાં આવ્યું હતું. રાત્રે પણ વાહનો વડે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં અંજારમા શાંતિ હોવાનું પોલીસે જણાવ્યું હતું તેમજ આ બનાવ કેવી રીતે બન્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે.