નોટબંધી બાદ હાઉસિંગ સેક્ટરમાં ગ્રોથમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં આમા જોરદાર તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નોટબંધીથી જમા કરવામાં આવેલી રકમને સસ્તા હોમલોન તરીકે આપવાની તૈયારી મોદી સરકારે કરી લીધી છે. મળેલી માહિતી મુજબ મોદી સરકારે આને ગતિ આપવા માટે નિષ્ણાતોને સ્પષ્ટ સૂચના આપી છે. અહેવાલ મુજબ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મોદી આગામી દિવસોમાં લોન સસ્તી કરીને લોકોને વધુ રાહત આપી શકે છે.
સરકાર સસ્તી હોમલોન તરીકે રકમને ઉપયોગ કરવા માટે વિચારણા કરી રહી છે. આ સ્કીમને લઇને સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે હાલમાં વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ મુજબ આ સ્કીમ વર્ષ ૨૦૧૭માં સામાન્ય બજેટથી પહેલા જાહેર કરવામાં આવી શકે છે. એમ માનવામાં આવે છે કે, આ વર્ષે સામાન્ય બજેટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે. આ સ્કીમની રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકારની નજર આ બાબત ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે કે નોટબંધી બાદ બેંકોમાં જમા કરવામાં આવનાર રકમને સસ્તા હોમ લોન તરીકે વિભાજિત કરી દેવામાં આવે. જે લોકો આવાસ લેવાની ગણતરી કરી રહ્યા છે તેમને સીધો ફાયદો આગામી દિવસોમાં થઇ શકે છે.
આ સ્કીમ હેઠળ ૫૦ લાખ રૃપિયા સુધીની હોમ લોન છથી સાત ટકાના વ્યાજદરે આપવામાં આવશે. સસ્તા હોમ લોનની આ ભેટ એવા લોકોને આપવામાં આવશે જે લોકો પહેલા ઘર માટે લોન લઇ રહ્યા નથી. આના મારફતે સરકાર વધુને વધુ લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યને હાસલ કરવા ઇચ્છુક છે. એટલું જ નહીં આ સ્કીમથી મંદીની મારનો સામનો કરી રહેલા પ્રોપર્ટી સેક્ટરમાં પણ તેજી આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રિયલ એસ્ટેટ મંદીની સ્થિતિમાં છે. ૮મી નવેમ્બરના દિવસે મોદી તરફતી રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદથી રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત વધુ કફોડી થઇ રહી હતી.
એમ કહેવામાં આવે છે કે, નોટબંધી બાદ બેંકોમાં મોટા પ્રમાણમાં રોકડ પહોંચાડી દીધા બાદ બેંકો તરફથી લોનના દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. કેટલીક રેટિંગ એજન્સીઓ માની રહી છે કે, આનાથી આગામી દિવસોમાં રિયલ સેક્ટરને સીધો ફાયદો થઇશકે છે. નિષ્ણાતોનું કહેવું કે,નોટબંધીના નિર્ણય બાદ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શકતા આવશે અને લાંબા ગાળામાં આનાથી સ્થિરતાનો માહોલ સર્જાશે. લોન સસ્તી થશે તેવી રાહ જોઇ રહેલા લોકોને આના કારણે ફાયદો થઇ શકે છે.