કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં તે છેલ્લા 10 મહિનાથી જેલમાં હતા. જેલમાંથી બહાર આવીને સિદ્ધુએ સમર્થકોને હાથ લહેરાવ્યો અને જમીનને સ્પર્શ કર્યો. સિદ્ધુ જેલમાંથી બહાર આવતાની સાથે જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, સવારથી જ સિદ્ધુની મુક્તિને લઈને ચર્ચા ચાલી રહી હતી, જેના કારણે મીડિયા અને તેમના સમર્થકો જેલની બહાર એકઠા થઈ ગયા હતા.
જેલમાંથી બહાર નીકળતી વખતે સિદ્ધુએ નેવી બ્લુ રંગની પાઘડી અને કુર્તો પહેર્યો હતો, સાથે તેમણે સ્કાય બ્લુ જેકેટ પણ પહેર્યું હતું. સિદ્ધુએ જેલમાંથી બહાર આવતાની સાથે જ કહ્યું, ‘અહીં લોકશાહી બાકી રહી ગઈ છે એવું કંઈ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા પડી જશો.
‘ક્રાંતિનું નામ રાહુલ ગાંધી’
સિદ્ધુએ કહ્યું, ‘મને બપોરના સુમારે છોડવામાં આવવાનો હતો, પરંતુ તેઓએ તેમાં વિલંબ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મીડિયાકર્મીઓ ત્યાંથી નીકળી જાય. આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી. તે સરકારને હચમચાવી નાખશે. સિદ્ધુએ કહ્યું, ‘હું બંધારણને મારી પુસ્તક માનું છું, સરમુખત્યારશાહી થઈ રહી છે. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું.