આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલા એવી માન્યતા હતી કે, વધુ ઉંમરવાળા અથવા તો વધુ વજન હોય તેઓને હાર્ટ એટેક આવે છે પરંતુ હવે તો જુવાન લોકોને અને તે પણ એકદમ ફીટ રહેતા લોકોને પણ ક્રિકેટ રમતા, જીમમાં કસરત કરતા, સ્વિમિંગ કરતા કે પછી બેસીને વાતચીત કરતા હોય ત્યારે અચાનક હાર્ટ એટેક આવી રહ્યા છે. આવા સમયે આપણને ખબર નથી હોતી કે, આપણા બે હાથ પ્રાણરક્ષક છે, તે વ્યકિતની જીંદગી બચાવી શકે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા લોકોમાં આ બાબતે જનજાગૃત્તિ આવે તે માટે પ્રદેશ સંગઠનના પ્રયાસ રૂપે રાજ્યભરની મેડિકલ કોલેજો અને જિલ્લાની મહત્વની હોસ્પિટલોમાં આજે ક્રોમ્પેશન ઓન્લી લાઈફ સપોર્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં આપણે આપણા બે હાથથી પમ્પિંગ કરીને કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકીએ છે. આજે હું અહી એક તાલીમાર્થી તરીકે આવ્યો છું. આ તાલીમનું આયોજન ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટસની મદદથી થયું તે આનંદની વાત છે. લોકો વધુમાં વધુ આ તાલીમનો લાભ લે અને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે એવી અપીલ છે. કોરોનાકાળમાં ડોકટરો અને નર્સ સહિત તમામ લોકોએ માનવ જીવન બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તે અભિનંદનને પાત્ર છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારને દરેક માણસના જીવનની ચિંતા છે. અત્યારના સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આ તાલીમ હાર્ટ એટેક અથવા તો ચક્કર આવીને બેભાન થઈ જવાના બનાવમાં મદદરૂપ બનશે. એમ્બ્યુલન્સ આવે અને દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકીએ ત્યાં સુધીનો સમય ખૂબ જ કટોકટીનો હોય છે. આ સમયે પ્રાથમિક સારવાર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તે માટે આજની આ તાલીમ ખૂબ જ મહત્વની છે. વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારાએ કહ્યું કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે. જેનો મંત્ર જ સેવા હી સંગઠનનો છે. દરેકના આરોગ્યની સરકારને ચિંતા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી અને પ્રદેશ સંગઠનના અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે સુરતથી આ ટ્રેનિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ તાલીમમાં ભાગ લેનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સંગઠનના ડોક્ટર સેલને અભિનંદન આપુ છુ કે, તેમના થકી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું છે. આ તાલીમ થકી આપણે લોકોના જીવ બચાવવામાં ઉપયોગી બની માનવધર્મ નિભાવી શકીશુ. આ પ્રસંગે વિઘાનસભાના પૂર્વ દંડક અને પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલે કહ્યું કે, હાર્ટ એટેક સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર શું આપવી તે વિશે બહુધા લોકો જાણતા ન હોવાથી છેવટે દર્દી તરફડીને મોતને ભેટે છે. આ સમયે શું કરવુ તે માટેની આ સીપીઆર તાલીમ ખૂબ જ ઉપયોગી બનશે. વલસાડ મેડિકલ કોલેજના એનેસ્થેસીયા ડિપાર્ટમેન્ટના હેડ (એચઓડી) ડો. હાર્દિક પટેલે સ્વાગત પ્રવચન કરી પ્રેઝન્ટેશન દ્વારા તાલીમનો હેતુ અને કેવી રીતે જીવ બચાવવો તે અંગે માહિતી આપી હતી. ત્યારબાદ મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોએ પૂતળા વડે ડેમોસ્ટ્રેશન આપી લોકોને પ્રેકટીકલ તાલીમ આપી હતી. જેમાં સૌ પ્રથમ કેવી રીતે બેસવુ, કેવી રીતે હાથ મુકવા, કેવી રીતે હાથ વડે પમ્પિંગ કરવુ અને કેટલી વાર પમ્પિંગ કરવુ સહિતની વિસ્તૃત સમજ આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી સર્વ કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રંજનબેન પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. કમલેશ શાહ, આઈએસએના વલસાડ શહેર બ્રાંચના પ્રમુખ ડો. સંદિપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં તબીબો અને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મેડિકલ કોલેેજના ડો.મીત મોડીયાએ કરી હતી.
