પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘેરાયા છે. આ કેસમાં ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક સિટીની પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે.
હવેઆલો અનુસાર, મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસ એવું માની રહી છે કે ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે. રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીન સહિત ટ્રમ્પના ઘણા સમર્થકો કહે છે કે તેઓ વિરોધ કરવા માટે ન્યૂયોર્ક જશે.
માર્જોરી ટેલર ગ્રીનને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ન્યૂયોર્ક યંગ રિપબ્લિકન ક્લબ પણ ટ્રમ્પ પર થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા જઈ રહી છે. ક્લબના સભ્યો કોર્ટહાઉસથી રસ્તાની બીજી તરફ એક પાર્કમાં વિરોધનું આયોજન કરી રહ્યા છે.
દરમિયાન, કોર્ટના એક અધિકારીએ કહ્યું છે કે ડાઉનટાઉન કોર્ટહાઉસ ટ્રમ્પના આગમનના ઘણા સમય પહેલા કેટલીક અદાલતો બંધ કરી દેશે. ટ્રમ્પના સલાહકારનું કહેવું છે કે તેઓ ફ્લોરિડાથી સોમવારે ન્યૂયોર્ક આવી શકે છે અને ટ્રમ્પ ટાવરમાં રાત વિતાવી શકે છે. અહીંથી તે મંગળવારે સવારે કોર્ટ પહોંચશે.
ટ્રમ્પે કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત છે
ટ્રમ્પને મંગળવારે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવવાના છે. આ મામલો સામે આવ્યા બાદ ટ્રમ્પ અમેરિકામાં ક્રિમિનલ કેસનો સામનો કરનારા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે. જો કે તેઓ આ સમગ્ર મામલાને રાજકીય પ્રેરિત ગણાવે છે.
ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પના કેસમાં કેસ ચલાવવાની પરવાનગી આપી દીધી. આ ગ્રાન્ડ જ્યુરી નાગરિકોનું એક જૂથ છે, જે સાક્ષીઓ સાથે રજૂ કરાયેલા પુરાવાઓ પર વિચાર વિમર્શ કરે છે. વ્યક્તિ પર ફોજદારી આરોપ લગાવવા માટે પૂરતું આધાર છે કે કેમ તે નક્કી કરવાનું જ્યુરી પર નિર્ભર છે. ગ્રાન્ડ જ્યુરીમાં 16 થી 23 સભ્યો હોય છે.
ટ્રમ્પ 2016ના કેસમાં ફસાયા
ટ્રમ્પ જે કેસમાં ફસાયા છે તે 2016માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાનો છે. આરોપ છે કે ટ્રમ્પે પોર્ન સ્ટારને તેનું મોઢું બંધ રાખવા અને તેની સાથે અફેર હોવાની વાત જાહેર ન કરવા માટે તેને $1,30,000 ચૂકવ્યા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે નેવાડામાં સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેને હોટલના રૂમમાં બોલાવી હતી અને સ્ટોર્મીને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું.
જાન્યુઆરી 2018માં થયો હતો ખુલાસો
જાન્યુઆરી 2018માં અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક લેખમાં આ આરોપનો દાવો કર્યો હતો. અખબારમાં છપાયેલા લેખ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલિન વકીલ માઈકલ કોહેને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના એક મહિના પહેલા ઓક્ટોબર 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મીને આ મોટી રકમ ચૂકવી હતી. ત્યાં સુધી બધું બરાબર હતું અને તે કાયદેસર રીતે કોઈપણ ગુનાની શ્રેણીમાં આવતું નથી, પરંતુ, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વકીલ કોહેનને તે ચૂકવ્યું, ત્યારે તે તેમની કાનૂની ફી તરીકે દર્શાવવામાં આવ્યું હતું.