એક તરફ વડોદરા શહેરના ભીમપુરા સિંધરોડ પાસે દીપડાની ઉપસ્થિતિ હોવાની માહિતી મળતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે. પરંતુ, હજુ સુધી દીપડો પકડાયો નથી. ત્યારે બીજી તરફ એવી ચર્ચા છે કે પાંચ દિવસ પહેલા વડોદરાથી તિલકવાડા તરફના રેલ્વે ટ્રેક પર દીપડાના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. જો કે, આ મામલે વન વિભાગના અધિકારીઓ દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું છે.
એનજીઓના કાર્યકર્તાઓના આરોપ મુજબ, છેલ્લા ઘણા સમયથી કેટલાક સક્રિય શિકારીઓ દ્વારા મરેલા દીપડાના પંજા કાપીને લઈ જવામાં આવે છે અને મૃતદેહને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવે છે. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, વન વિભાગના અધિકારીઓ રાતના સમયે પેટ્રોલિંગ કરતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. દોઢ મહિના અગાઉ પણ વડોદરા રેંજમાં આવતા ડભોઇ પાસે દીપડાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેમ જ બે મહિના અગાઉ તિલકવાડા પાસે સર્જાયેલા એક અકસ્માતમાં દીપડાનું મોત થયું હતું.
કાળા જાદુ અને તાંત્રિક વિધિ માટે પંજાનો ઉપયોગ
કેટલાક લોકોના જણાવ્યા મુજબ, કાળા જાદુ અને તાંત્રિક વિધિ માટે ઉપયોગ થતો હોવાથી દીપડાના પંજાને કાપી લેવાય છે. જો કે, 6 મહિનામાં કેટલા દીપડાના મોત થયા છે તે અંગે વન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. પરંતુ, પંજા વગરના દીપડાના મૃતદેહ મળી આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.