રાહુલ ગાંધીથી ભાજપ સરકાર ડરી ગઈ છે. રાહુલ ગાંધીને ઈમેજ ખરાબ કરવાનું કામ ભાજપ કરી રહી છે. અશોક ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો રાહુલ ગાંધીની સુરત મુલાકાત પહેલા કર્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરશે. રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા માટે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચશે. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. આ સાથે અશોક ગેહલોત પણ હાજર રહેશે ત્યારે તેમણે રાહુલ ગાંધી પહેલા પ્રેસ મીડિયાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવામાં આવતા નથી
થોડીવાર રાહુલ ગાંધી સુરત ખાતે પહોંચી રહ્યા છે ત્યારે એ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અશોક ગેહલોતે પ્રેસ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, રાહુલ ગાંધીથી ભાજપ સરકાર ડરી ગઈ છે. રાહુલ ગાંધી દેશનો અવાજ બની પોતાનું કામ કરતા રહેશે. આ સાથે તેમણે આક્ષેપ લગાવતા એ પણ કહ્યું કે, રાહુલ ગાંધીની ઈમેજ ખતમ કરવા કરોડો રુપિયા ભાજપ દ્વારા બરબાદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવામાં આવતા નથી.
તપાસ એજન્સીઓનો દૂરુપયોગ થઈ રહયો છે
અશોક ગેહલોતે બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર શું કરી રહી છે તે દેશ જોઈ રહ્યો છે. હવે હું પૂછા માંગું છું કે શું ઈચ્છો છો. તપાસ એજન્સીઓનો દૂરુપયોગ થઈ રહયો છે. અમે અવાજ ઉઠાવતા રહીશું. ચૂંટણી આવે એટલે આઈટી અને ઈડી પહોંચે છે. રોજગાર, કાળુંધન પરત કરવાના વાયદા કરવામાં આવ્યા હતા એ વાયદાઓનું શું થયું. કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. દેશની સંસ્થાઓ પર સરકારનું દબાણ છે પરંતુ અમે ડરવાના નથી તેમ તેમણે કહ્યું હતું.