વિશ્વના તમામ દેશોમાં ત્રાહીમામ મચાવનાર કોરોના મહામારી ફરીથી માથું ઊંચકી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાટનગર શહેરમાં 1 અને જિલ્લામાં 6 નવા કોરોના દર્દી મળી આવ્યા હોવાની માહિતી છે. જો કે, સંક્રમણની ગતિ ધીમી હોવાથી હાલ રાહતની સ્થિતિ છે. પરંતુ, તબીબો અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, રવિવારે પાટનગર ગાંધીનગર શહેરમાં 1 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જો કે, લક્ષણો હળવા હોવાના કારણે મોટાભાગના દર્દીની સારવાર તેમના ઘરે આઇસોલેટ કરીને કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, ગાંધીનગર શહેરમાં સેક્ટર 6માં રહેતા 71 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, વૃદ્ધાને હળવા લક્ષણો હોવાથી તેમને હોમ આઇશોલેશનમાં રાખવામાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. માહિતી મુજબ, સંક્રમિત થનારા કેટલાક દર્દી એવા છે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે, જેના કારણે તેમનામાં હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ
નોંધનીય છે કે છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ, ઉલટી સહિતના કેસોમાં વધારો થયો છે. આ સાથે જ કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, સંક્રમણની ગતિ હાલ ધીમી છે. પરંતુ, તબીબો અને સરકારી આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા સૂચન કર્યું છે. આરોગ્ય વિભાગની તપાસમાં H3N2 વાઇરસનું સંક્રમણ પણ વધી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી આ વાયરસવાળા દર્દીઓને કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવા કહેવાયું હતું.