ક્રિકેટને ભલે જેન્ટલમેન ગેમ કહેવાય, પરંતુ ક્યારેક આ ક્રિકેટ પીચ યુદ્ધનું મેદાન બની જાય છે. ઓડિશામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ મેચ દરમિયાન કંઈક આવું જ બન્યું. અહીં એક અમ્પાયરને બોલને ‘નો બોલ’ આપવો ભારે પડ્યો છે. અમ્પાયરના આ નિર્ણય પર એક યુવક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પહેલા અમ્પાયર સાથે લાંબી દલીલ કરી અને પછી તેને ચાકુ મારીને તેની હત્યા કરી દીધી.
વાસ્તવમાં આ ઘટના ઓડિશાના કટકની છે. અહીંના મહિશીલંદા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ દરમિયાન અમ્પાયરે ‘નો બોલ’નો નિર્ણય આપ્યો. આ વાત પર એક યુવક ગુસ્સે થઈ ગયો. યુવકે અમ્પાયર લકી રાઉતની ત્યાં જ ચાકુ મારીને હત્યા કરી દીધી. જો કે યુવક ઘટનાસ્થળેથી ભાગી શકે તે પહેલા ગ્રામજનોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો.
પહેલા દલીલ પછી કરી હત્યા
અહેવાલો અનુસાર ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી અને બ્રહ્મપુર અને શંકરપુરની ટીમો મેદાન પર રમી રહી હતી. બ્રહ્મપુર ટીમની સમર્થક સ્મૃતિ રંજન રાઉત અમ્પાયરના એક નિર્ણય પર ગુસ્સે થઈ ગયો. પહેલા તેણે અમ્પાયર સાથે લાંબી દલીલ કરી અને પછી તેણે અમ્પાયર પર ચાકુ વડે હુમલો કર્યો.
પોલીસે વધારી સુરક્ષા
અમ્પાયર લકી રાઉતને ઈજાગ્રસ્ત હાલતમાં SCB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ઘાના ઊંડાણને કારણે તેમને બચાવી શકાયા ન હતા. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આ નાની વાત પર થયેલા વિવાદને કારણે ગામમાં તંગદિલીનો માહોલ છે, જેના કારણે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.