રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના બનાવ તો સતત સામે આવી રહ્યા છે, પરંતુ હવે કોલેજના પેપર પણ ફૂટી રહ્યા હોવાના મામલા સામે આવી રહ્યા છે. માહિતી મુજબ, હાલ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પૂર્વે બી.કોમ. સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સનસનીખીજ દાવો કર્યો છે.
પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતું થયું પેપર!
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. આ મામલે યુવરાજસિંહ જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ પણ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં શનિવારે બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટ વિષયનું પેપર હતું. આ પરીક્ષા માટેનો સમય બપોરે 3:30થી 6 કલાકનો હતો. પરંતુ, પરીક્ષા શરૂ થતા પહેલાં બપોરે 3:12 મિનિટે આ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. આ ટ્વીટમાં યુવરાજસિંહે કેટલાક ફોટો પણ શેર કર્યા છે.
તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવાઈ
આ માહિતી બાદ, યુનિવર્સિટી તંત્ર દોડતું થયું હતું. માહિતી મુજબ, મા મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. જે સમગ્ર તપાસ હાથ ધરશે. મીડિયા અહેવાલ મુજબ, આ અંગે યુવરાજસિંહએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે પેપર વાઇરલ થયું હતું અને જે વાસ્તવિક પરીક્ષામાં પેપર પૂછાયું છે તે બંનેને ચેક કરતા કહી શકાય કે પેપર લીક થયું છે, આ અંગે મુખ્યમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય સુધી આ વાત પહોંચાડી છે. જ્યારે બીજી તરફ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ઉમેશ રાવળે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પેપર લીક થયાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે અંગે અમને જાણવા મળ્યું છે જો કોઈ વાસ્તવિક સ્થિતિ ધ્યાનમાં આવશે તો યુનિવર્સિટી દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચવામાં આવી છે.