લોસ એન્જલસમાં બૈસાખી કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાની ઝંડા લહેરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક તરફ બૈસાખીનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકો ભીડમાં ખાલિસ્તાની ઝંડા લઈને ઉભા છે. આ ધ્વજ ફરકાવનારા શીખો તેમના આંદોલન માટે સમર્થન માંગી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બૈસાખીની ઉજવણી કરી રહેલા શીખ સમુદાયના લોકો અલગ હતા અને સ્થળની નજીક ઝંડા ફરકાવતા લોકો અલગ હતા અને બંને જૂથો વચ્ચે કોઈ સંબંધ નથી.
દક્ષિણ કેલિફોર્નિયામાં શીખો બૈસાખીની ઉજવણી કરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ અમેરિકાના લોસ એન્જલસમાં બૈસાખી કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાનીઓનું પ્રદર્શન સામે આવ્યું છે. સધર્ન કેલિફોર્નિયા શીખ સમુદાય રવિવારે બપોરે યુએસએના લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટર ખાતે બૈસાખીની ઉજવણી કરવા માટે એકત્ર થયો હતો. આ દરમિયાન, જ્યારે તેઓ એક તરફ ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં જ ખાલિસ્તાની ઝંડા ફરકાવનારા શીખો તેમના આંદોલન માટે સમર્થન માંગી રહ્યા હતા.
અમૃતપાલે 29 માર્ચે આ વીડિયો જાહેર કર્યો હતો
જણાવી દઈએ કે પોલીસ હજુ પણ ભારતમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને શોધી રહી છે. અમૃતપાલે 29 માર્ચે એક વીડિયો જાહેર કર્યો હતો અને તેના વીડિયોમાં ભારત અને વિદેશમાં રહેતા શીખ સમુદાયના લોકોને અન્યાય સામે લડવાનું આહ્વાન કર્યું હતું. આ વીડિયો બ્રિટનમાંથી બહાર પાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે યુટ્યુબ ચેનલ પરથી આ વીડિયો રીલીઝ કરવામાં આવ્યો હતો તેના પર બાદમાં સરકારે પ્રતિબંધ મુકી દીધો હતો.
સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ
અમૃતપાલે વીડિયોમાં કહ્યું હતું કે, ‘હું દેશ-વિદેશના તમામ શીખ લોકોને વૈશાખી પર યોજાનાર સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરું છું. અમારો સમુદાય લાંબા સમયથી નાના મુદ્દાઓ પર મોરચો ખોલવામાં લાગ્યો છે. જો આપણે પંજાબના પ્રશ્નો હલ કરવા હોય તો આપણે સાથે આવવું પડશે.’ આ વીડિયો કોણે શેર કર્યો, પોલીસ તપાસ કરી રહી છે.
બૈસાખીનું આયોજન અને ખાલિસ્તાની સમર્થન અલગ-અલગ હતું
જૂથમાં સામેલ ખાલિસ્તાની લોકોએ નારેબાજી પણ કરી હતી, તેઓએ બેનરો પણ રાખ્યા હતા, જેમાં લખ્યું હતું કે “ભારતીય રાજ્ય શીખો પર જુલમ કરી રહ્યું છે, પંજાબ કબજા હેઠળ છે. શીખોની સાથે ઊભા રહો”. વીડિયો પરથી એ પણ સ્પષ્ટ છે કે બૈસાખીની ઉજવણી કરી રહેલા શીખોને ખાલિસ્તાનનું સમર્થન કરી રહેલા જૂથ સાથે કોઈ લેવાદેવા નથી, હકીકતમાં તેઓ જ્યાં ઉજવણી કરી રહ્યા હતા તે વિસ્તારની ઘેંરાબંધી કરી દેવામાં આવી હતી, પણ વિરોધીઓએ તેમની બાજુમાં જ પોતાના ધ્વજ અને નારા લગાવવાનું પસંદ કર્યું હતું.