અમદાવાદ શહેરના દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર સોમવારે રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારચાલક મહિલાએ એક એક્ટિવા અને બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ અક્સમાતમાં એક્ટિવાસવાર બંને વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે બાઇકસવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતું. આથી દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક પણ સળગી ગયું હતું. જો કે, દંપતીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બનતા ધડાકાભેર અવાજ સંભળાતા સ્થાનિક લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું અને દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલક મહિલા ફરાર થઈ હતી.
પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક સળગ્યું
મળતી માહિતી મુજબ, દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ આવતા માસ્ટર કોલોની રોડ પર સોમવારે રાતે એક અકસ્માત સર્જાયો હતો. એક કારચાલક મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્તા કાર બેકાબૂ બની હતી. કારે રોડ પરથી પસાર થતી એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધી હતી. એક્ટિવા પર સવાર બે લોકોએ અકસ્માતમાં સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે બાઇકસવાર દંપતી કારની ટક્કરથી હવામાં ફંગોળાયું હતું. માહિતી મુજબ, કારે બાઇકને 15થી 20 ફુટ સુધી ઢસડાયું હતું અને બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક પણ સળગી ગયું હતું.
50 વર્ષની મહિલાને ગંભીર ઈજાઓ થઈ
જો કે, આ અકસ્માતમાં દંપતીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, 50 વર્ષની મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. અક્સમાત થતા ધડાકાભેર અવાજ સાંભળીને લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું અને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાવવા મદદ કરી હતી. બીજી તરફ કાર ઈલેકટ્રિક થાંભલા સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી અને કારચાલક મહિલા ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક મહિલાની શોધખોળ આદરી છે.