જસદણમાંથી એક ચોંકાવનારો અને અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દોમાં ચિઠ્ઠીઓ લખી મહિલાઓના ઘરમાં નાંખી હેરાનપરેશાન કરતો હોવાની વિસ્તારની મહિલાઓ અને પુરૂષો દ્વારા જસદણ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ શરમજનક કિસ્સા અંગે આજદિન સુધી વિસ્તારની મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી. પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ ગઈ હતી. જેથી ઉમિયાનગર વિસ્તારના આગેવાન બીપીનભાઈ નાકરાણી, ભરતભાઈ ભાલાળા, નીકુલભાઈ રામાણી, પરેશભાઈ શેખલીયા, રવીન્દ્રભાઈ છાયાણી અને જયદીપભાઈ રામાણી સહિતના આગેવાનોએ માનસિક વિકૃત માણસના ત્રાસથી કંટાળી જઈ તે વિસ્તારના નગરસેવક નરેશભાઈ ચોહલીયાને આ શરમજનક બાબત અંગે જાણ કરી હતી અને બાદમાં મહિલાઓની સહીવાળી લેખિત રજૂઆત જસદણ પોલીસને આપતા આ કિસ્સો સાંભળીને અને પુરાવાઓ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અહેવાલ તા.4 ના પ્રકાશિત કરાતાની સાથે જ જસદણ પોલીસ મથકના બીટ જમાદાર જેન્તીભાઈ મજેઠીયા અને રાઈટર સુરેશભાઈ સોલંકીએ સીસીટીવી ફૂટેજના આધારે ચિઠ્ઠી ફેંકનારા ઉમિયાનગર વિસ્તારમાં જ રહેતા ભીખા મોહનભાઈ સેલિયા(ઉ.વ.60) નામના આધેડ શખ્સને ગણતરીની કલાકોમાં દબોચી લઈ કાયદાનો પાઠ ભણાવતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને દિવ્ય ભાસ્કરની ટીમનો આભાર માન્યો હતો. હાલ જસદણ પોલીસે માનસિક વિકૃત આધેડ શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
