ઘણા લાંબા સમય બાદ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસનની જોડી મેદાન પર એકસાથે જોવા મળી.વાત જાણે અેમ છે કે આગામી આઇપીએલની તૈયારીઓ માટે ગઈ કાલે ચેન્નઈની ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો, જેમાં ટીમનો કેપ્ટન ધોની બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસન સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
અેક સમયે ધોની ટીમ ઇન્ડિયાનો ત્રણેય ફોર્મેટનો કેપ્ટન હતો અને તે સમયે શ્રીનિવાસન બોર્ડના અધ્યક્ષ હતા. આ બંનેની જોડી મેદાનની બહાર પણ ઘણી જાણીતી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બે વર્ષના પ્રતિબંધ બાદ આ વર્ષે આઇપીએલમાં પરત ફરી રહી છે.
આ પ્રેક્ટિસ સેશનમાં સહાયક કોચ માઇક હસી અને બોલિંગ કોચ એલ. બાલાજીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આકરી પ્રેક્ટિસ કરી હતી. ધોની ઉપરાંત સુરેશ રૈના, મુરલી વિજય અને અંબાતી રાયડુએ પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.