વાસણામાં પરિણીતાએ સાસરિયાં અને પતિ સામે માનસિક અને શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે દીકરીને જન્મ આપતા સાસરી પક્ષે પરિણીતાને બોલાવવાનું બંધ કરી દીધું હતું અને એક દીકરીના મૃત્યુના સમયે પણ સાસરિયામાંથી કોઇપણ વ્યક્તિ મરણ પ્રસંગે આવ્યા ન હતા. પતિએ પરિણીતાને કહ્યું હતું કે, તું સારી દેખાતી નથી અને તું મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવવી છે. જ્યારે સાસુ-સસરાએ કહ્યું કે, અમારે તો દીકરો જોઇતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે.
વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન બાદ શરૂઆતમાં સાસુ-સસરા સારી રીતે રાખતા હતા.સીમંત બાદ પરિણીતા તેના પિયરમાં ગઇ હતી અને જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. જો કે, દીકરીઓ જન્મતા પતિ કે સાસરી પક્ષમાંથી કોઇપણ વ્યક્તિ ખબર પૂછવા માટે પણ આવ્યા ના હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી એક દીકરીનું મોત નીપજ્યું હતું. ત્યારે પણ મરણ પ્રસંગમાં સાસરીમાંથી કોઈ વ્યક્તિ આવ્યું નહોતું.
દહેજ માટે પણ પરિણીતાને ત્રાસ આપતા હતા
થોડા દિવસ બાદ જ્યારે પરિણીતા તેના સાસરી ગઈ તો સાસરિયાંઓ કહેતા હતાં કે, અમારે તો દીકરો જોઇતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે. જ્યારે તેનો પતિ કહેતો કે, તું સારી દેખાતી નથી, તું મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવી છે. અને મેણા ટોણા મારતા હતાં. દહેજ માટે પણ પરિણીતાને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. આથી કંટાળીને પરિણીતાએ વાસણા પોલીસમાં પતિ અને સાસરિયાં પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસએ ફરિયાદ દાખલ કરી કાર્યાવાહી હાથ ધરી છે.