આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર છે. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉપરવાળો કંઈક કરાવવાની કોશિશ કરી રહ્યો છે, અમારી તો કોઈ ઔકાત નથી.. ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. તેનો અર્થ એ છે કે ઉપરવાળો દેશ માટે અમારી પાસેથી કંઈક કરાવવા માંગે છે.
કેજરીવાલ સિસોદિયા અને જૈનને યાદ કર્યા
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ખુશીના અવસર પર મનીષ જી (મનીષ સિસોદિયા) અને જૈન સાહબ (સત્યેન્દ્ર જૈન)ની ખૂબ જ યાદ આવી રહી છે. જો તે બંને હોત તો આ ખુશીને ચાર ચાંદ લાગી જાત. કેજરીવાલે કહ્યું કે દેશની રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહી છે. આજે સરકારી શાળાઓમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ શીખવવામાં આવે છે. મોટી ખાનગી શાળાઓમાં જે શિક્ષણ દિલ્હીની સરકારી શાળાઓમાં આપવામાં આવે છે તે ત્યાં નથી. મનીષ સિસોદિયાનો વાંક એ હતો કે તેમણે ગરીબોના બાળકોને સપના જોતા શીખવ્યું. સિસોદિયાએ ગરીબોના બાળકોને સપનાને પાંખો આપી.
સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે તેમનો દોષ એ હતો કે તેમણે ગરીબોને સારી અને સસ્તી સારવાર આપી. રાષ્ટ્ર વિરોધી શક્તિઓએ તેમને જેલમાં ધકેલી દીધા. પરંતુ આ લોકો ભગતસિંહના શિષ્યો છે.
આમ આદમી પાર્ટીની વિચારધારાના ત્રણ આધારસ્તંભ – કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે એવા ઘણા લોકો છે જેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. ઘણી લાકડીઓ ખાધી. ઘણા લોકો જેલમાં ગયા. સંતોષ કોળી શહીદ થયા. અમે આ યાત્રા દરમિયાન ઘણા લોકોને ગુમાવ્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની વિચારધારાના ત્રણ સ્તંભ છે. પ્રથમ – કટ્ટર ઈમાનદારી – મરી જશે પણ દેશ સાથે દગો નહીં કરે. એક ટાઈમ રોટલી નહીં ખાય પણ અપ્રમાણિકતા નહીં કરે. બીજો સ્તંભ છે – કટ્ટર દેશભક્તિ… દેશ માટે ફાંસીના માંચડે ચઢી જશે. અને ત્રીજો સ્તંભ છે માનવતા – માણસ સાથે માણસનો ભાઈચારો, આ અમારો સંદેશ છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીએ બતાવ્યું છે કે ઈમાનદારીથી ચૂંટણી પણ જીતી શકાય છે અને સફળ સરકાર ઈમાનદારીથી જ ચલાવી શકાય છે.