ટ્રાફિકના નિયમો તોડનારા લોકોના ઘરે ધડાધડ ઈ-મેમો મોકલવાનું શરુ થયા બાદ મચેલા હોબાળા પછી ફરી એક વાર ઈ-મેમો શરુ થવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈ-મેમો મુદ્દે ખાસ્સો વિવાદ થતાં સરકારે થોડા સમય માટે ઈ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દીધી હતી. જોકે, આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ઈ-મેમો 15 એપ્રિલથી ફરી શરુ થશે.
અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે. આ કેમેરા નખાઈ જતા હવે થોડા જ દિવસોમાં ફરી ઈ-મેમો ઈશ્યૂ કરવાનું પોલીસ ફરી શરુ કરશે.
અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઉભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જોકે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે.
ઈ-મેમોએ અમદાવાદમાં રીતસરનો કેર વર્તાવ્યો હતો. શહેરના લગભગ તમામ ચાર રસ્તે લાગેલા સીસીટીવી દ્વારા ટ્રાફિકનું મોનિટરિંગ કરાતું હતું અને તેમાં નિયમનો ભંગ કરતા જે પણ દેખાય તેને ઈ-મેમો મોકલાતો હતો. અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે.
અમદાવાદમાં અત્યાર સુધી જેટલા ઈ-મેમો મોકલાયા છે તેનો કુલ દંડ 42.24 કરોડ રુપિયા થાય છે. જોકે, અત્યાર સુધી માત્ર 9.67 કરોડ રુપિયાના દંડની જ વસૂલાત થઈ શકી છે. મતલબ કે, હજુય 32.57 કરોડ રુપિયાનો દંડ વસૂલાવાનો બાકી છે. આટલું જ નહીં, જેમને પાંચથી વધુ ઈ-મેમો મળ્યા છે તેવા 50 હજારથી વધુ લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી પણ ખાસ્સા સમયથી અટવાયેલી પડી છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના દરેક રસ્તાને સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી લઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા કોઈ પણ વ્યક્તિને ઈ-મેમો ઘેર મોકલવાની સરકારની યોજના હતી. જેનો ઉદ્દેશ એ હતો કે પોલીસને દંડ વસૂલવાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, જેથી તે ટ્રાફિક મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપી શકે. જોકે, ઈ-મેમો આપવાનું શરુ કરાયા બાદ પણ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં કોઈ સુધારો નહોતો થયો. લોકોએ ઈ-મેમોને જ અવગણવાનું શરુ કરી દેતા સફાળી જાગેલી સરકારે સ્થળ પર દંડ વસૂલવાનો પોલીસને આદેશ આપવો પડ્યો હતો.
2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા ઈ-મેમો એક રાજકીય મુદ્દો બની ગયો હતો. ખાસકરીને પૂર્વ અમદાવાદમાં ઈ-મેમોના ઈશ્યુને કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ધમકી આપી હતી. રાજ્ય સરકારે હંગામી ધોરણે આ સિસ્ટમને બંધ કરી દીધી હતી અને લોકોને ખાતરી આપી હતી કે, જ્યાં સુધી CSITMS(City Surveillance and Intelligent Traffic Management System) અંતર્ગત કેમેરા ઈન્સ્ટોલ કરવાનું કામ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી આ સિસ્ટમ ફરી ચાલુ કરવામાં નહીં આવે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.