સિગારેટના વેપારમાં થતી GSTની ચોરી રોકવા ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ 1 ઓક્ટોબરથી ચાલુ થશે
સિગારેટના વેપારમાં થઈ રહેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મોટી ચોરી રોકવા માટે કેન્દ્રના નાણાં ખાતાએ પહેલી ઓક્ટોબર 2025થી નવી ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમનો અમલ ચાલુ કર્યો છે. સમય જતાં તેમાં પાનમસાલા, ગુટકા, તમાકુની અન્ય બનાવટોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમનો અમલ કરવા માટે CGST-સીજીએસટી-સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટમાં ક્લોઝ 116Aનો ઉમેર કરવામાં આવ્યો છે. આ ક્લોઝ હેઠળ સરકારને ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ લાગુ કરવાની છૂટ આપવામાં આવી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે કે, તેને માટે પ્રોડક્ટ્સના પેકેટ પર યુનિક આઈડેન્ટિફિકેશન માર્ક લગાવવામાં આવશે. સીજીએસટી એક્ટની કલમ 148-એમાં કરવામાં આવેલી જોગવાઈને આધારે આ વ્યવસ્થા કરવામાં આવી છે
GST Council’s 55th Meetingમાં પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ અંગેની ભલામણ કરી હતી. ટ્રેક એન્ડ ટ્રેસની સિસ્ટમનો અમલ કરવાથી સમગ્ર સપ્લાય ચેઈન પર અને તેના થકી જે તે ચીજવસ્તુની થતી મુવમેન્ટ પર નજર રાખી શકાશે. આમ ટ્રેક એન્ડ ટ્રેસની સિસ્ટમ પણ કાયદેસરની બની જશે. તેનાથી જીએસટીની ચોરી કરવાની સંભાવના સીમિત થઈ જશે.
તદુપરાંત મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી નીકળેલા પ્રોડક્ટ્સની ઓળખ કરવી સરળ બની જશે. ચીજવસ્તુઓને મોકલવામાં થતી ગરબડો અને વેચાણમાં આચરવામાં આવતી અનિયમિતતાઓ પરથી પડદો પડી જશે. પરિણામે સરકારને જીએસટીની આવકનું થતું નુકસાન પણ ઘટી જશે. તેમ જ ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના પ્રયાસો પર પણ પડદો પડી જશે. વેચાણ ઓછું બતાવવાની વેપારીઓ કે મેન્યુફેક્ચરર્સ દ્વારા અપનાવવામાં આવતી ગેરરીતિઓ પણ અટકી જશે. ટ્રેક એન્ડ ટ્રેસની આ વ્યવસ્થાને પરિણામે બે નંબરના વેચાણો ઓછા થતાં બજારમાં વાજબી અને યોગ્ય સ્પર્ધા પણ થશે.
ટ્રેક એન્ડ ટ્રેસની સિસ્ટમને કારણે સત્તાવાળાઓને મેન્યુફેક્ચરર્સના પ્રોડક્ટ્સના ઓડિટ કરવાનું સરળ થઈ જશે. તેના કેસમાં તપાસ કરવી પણ આસાન બની જશે. બીજું તેને પરિણામે બજારમાં ડુપ્લિકેટ કે નકલી ઉત્પાદનો આવવાની શક્યતા ઓછી થઈ જશે. પરિણામે પ્રોડક્ટની અસલીયત અંગે ગ્રાહકોને આશંકા રહેશે નહિ. નવા નિયમોનું પાલન કરવા માટે બિઝનેસે નવો ખર્ચ કરવો પડશે. ટેક્નોલોજી પણ મેળવવી પડશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને આરંભમાં તેનું પાલન કરવું આરંભમાં વધુ કઠિન લાગશે. સૌથી પહેલા સિગારેટના મેન્યુફેક્ચરર્સને ટ્રેક એન્ડ ટ્રેસની સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે.