સુરતનાં હીરા ઉદ્યોગની દિવાળી સુધારતો લેબગ્રોન ડાયમંડ, ભારે માંગ ઉભી થતાં વેકેશન માત્ર 15 દિવસનું જ રહેશે
ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, હાલ વાત કરીએ તો ઈન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની માંગમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે પંરતુ દિવાળી પહેલાં ડાયમંડ ઉદ્યોગની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. આ સુધારો લેબગ્રોન ડાયમંડના કારણે છે.
માહિતી મુજબ તાજેતરમાં લેબગ્રોન હીરાની બજારમાં માંગ ઉભી થઈ છે, જેના કારણે લેબગ્રોન હીરાના બિઝનેસમાં વેચાવલી નીકળી છે. દિવાળી પૂર્વે હિરાના કારખાનેદારો અને રત્નકલાકારો માટે રાહતના શ્વાસ લઈ શકે તેવી રીતે બજાર સુધરી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળીમાં એક મહિનાનું વેકેશન હોય છે. ગયા વર્ષે એક મહિના કરતાં વધુ સમય સુધી વેકેશન લેબાવી દેવામાં આવ્યું હતું, અને નાના કારખાનેદારોને તો મંદીએ મોટો ફટકો માર્યો હતો.
આ વર્ષે પણ એવું મનાતું હતું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વધારાના કારણે ડાયમંડ માર્કેટમાં મોટું ધોવાણ થઈ શકે છે. હાલમાં તો અમેરિકી ટેરિફની અડફટે ડાયમંડ ઉદ્યોગ હાલકડોલક જરુર થયું છે પરંતુ લેબગ્રોન હીરાએ ડાયમંડ માર્કેટને સ્થિર રાખવાનું કામ કર્યું છે અને આના કારણે 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતું હતું. હવે જ્યારે લેબગ્રોન ડાયમંડની માંગ વધતા વેકેશનને 15 દિવસનું કરી દેવામાં આવ્યું છે.
લોકો નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન હીરા પસંદ કરતા થયા ગત ઓગસ્ટમાં સૌથી વધારે રૂ. 1001 કરોડની રફ આયાત કરવામાં આવી હતી જ્યારે 12 મહિનામાં રૂ. 7486 કરોડની રફ આયાત કરાઈ હતી.
ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે. અત્યારે 2-3 વર્ષ થયા લેબગ્રોન ડાયમંડને હવે લોકોને દુધનું દુધ અને પાણીનું પાણી ખબર પડી છે. હવે રિયલ ડાયમંડનું બજાર પછડાયું છે. બીજું બધા પોતપોતાની જરુરિયાત પ્રમાણે વેકેશન પાળતા હોય છે અને આ વખતે લેબગ્રોન ડાયમંડની માંગ વધતા વેકેશન શોર્ટ રહેશે.
ગુજરાતમાં 17 લાખથી વધુ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભાયન્કર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકો ની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો – હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.