નરોડા સ્થિત આવેલ ક્રિષ્નાનગરમાં આવેલ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના એટીએમને ચોર ટોળકીએ ટાર્ગેટ કર્યું હતું. શુક્રવારે વહેલી સવારે આ એટીએમમાંથી 17.83 લાખની ચોરી કરવામાં આવી હતી. પોલીસ મુજબ સીસીટીવી કેમેરામાં કેદ ન થઇ જાય તે માટે ચોરોએ પહેલા વાયર કાપી નાખ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વહેલી સવારે 4:45 વાગ્યે કોઇ એટીએમમાં પૈસા ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરવા આવ્યું હતું. નરોડા પોલીસે કહ્યું કે, આ કામ કોઇ અંદરના વ્યક્તિનું જ હોવું જોઇએ જે મશિનનો પાસવર્ડ જાણતો હોય.
પોલીસે કહ્યું કે, મંગળવારે જ મારુતિ પ્લાઝામાં આવેલ એટીએમમાં પૈસા લોડ કરવામાં આવ્યા હતા છતાં યૂઝર્સને શુક્રવારે બપોરથી જ એટીએમમાં પૈસા ન હોવાના મેસેજ મળી રહ્યો હતો. ત્યારે આટલા દિવસમાં જ પૈસા ખતમ થઇ ગયા હોવાના મેસેજ કેમ મળી રહ્યા છે તે જાણવા મેનેજર એટીએમ દોડી ગયા હતા. ત્યારે એટીએમની પાછળ મેટલ શીટ પડ્યું હોવાનું જણાયું, જેને જોતા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવી ગયો હતો.
બાદમાં પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક એક્સપર્ટ અને ડૉગ સ્વૉડે ઘટના સ્થળનું પરિક્ષણ કર્યું. પોલીસ સૂ્ત્રોએ કહ્યું કે, “એટીએમની બહાર ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના વાયર કોઇએ કાપી નાખ્યા હતા. જો કે એટીએમની અંદરના સીસીટીવી કેમેરા હજુ કામ કરી રહ્યા હતા. શુક્રવારે જાહેર રજા હોવાથી અને શનિ તથા રવિવારે સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે સોમવારે ફૂટેજ મળી જશે.”
લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાયા છે. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, “આરોપીઓને પકડવા માટે ઇન્ફોર્મર્સને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.” ઘટના સમયે સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.