અમેરિકામાં સરકારી શટડાઉન: તેનો અર્થ શું છે અને શું અસર થશે?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને ફંડનું સંકટ નડ્યું છે. સંસદ (કોંગ્રેસ)માં અસ્થાયી ફંડિંગ બિલ પસાર ન થવાને કારણે, અમેરિકન સમય મુજબ મધરાતથી શટડાઉન લાગુ થઈ ગયો છે.
શટડાઉન શું છે?
અમેરિકી કાયદા મુજબ, જ્યાં સુધી બજેટ અથવા અસ્થાયી ફંડિંગ બિલ પસાર ન થાય, ત્યાં સુધી સરકારે ‘બિન-જરૂરી’ સરકારી વિભાગો અને સેવાઓ બંધ કરવી પડે છે. આ પરિસ્થિતિને જ સરકારી શટડાઉન કહેવામાં આવે છે.
શટડાઉન શા માટે થાય છે?
સરકારી વિભાગો ચલાવવા માટે મોટી રકમની જરૂર હોય છે, જેના માટે સંસદમાંથી બજેટ અથવા ફંડિંગ બિલ પસાર થવું આવશ્યક છે. જ્યારે રાજકીય મતભેદો અથવા ગતિરોધને કારણે આ બિલ પસાર થઈ શકતું નથી, ત્યારે સરકાર પાસે કાયદેસર રીતે ખર્ચ કરવા માટે ભંડોળ રહેતું નથી અને બિન-જરૂરી સેવાઓ બંધ કરવી પડે છે.
ટ્રમ્પની પાર્ટીને સેનેટમાં ફંડિંગ બિલ પસાર કરાવવા માટે 60 વોટની જરૂર હતી, પરંતુ માત્ર 55 વોટ જ મળ્યા, જેના કારણે પ્રસ્તાવ ગબડી પડ્યો અને શટડાઉન લાગુ થયો. ટ્રમ્પ માટે આ એક અસહજ સ્થિતિ છે.
શટડાઉન દરમિયાન શું થશે?
શટડાઉનના કારણે અનેક સરકારી કામકાજ અટકી જશે:
- લગભગ 40% સરકારી કર્મચારીઓ, એટલે કે લગભગ 8 લાખ કર્મચારીઓને પગાર વગરની ફરજિયાત રજા (Temporary Leave) પર મોકલી શકાય છે. હેલ્થ અને હ્યુમન સર્વિસ વિભાગે 41% કર્મચારીઓને રજા પર મોકલવાની તૈયારી કરી છે.
- નેશનલ પાર્ક, મ્યુઝિયમ અને અનેક સરકારી વેબસાઇટ્સ કામ કરવાનું બંધ કરી શકે છે.
- કાયદો અને વ્યવસ્થા, સરહદ સુરક્ષા, તબીબી સેવાઓ અને હવાઈ સેવાઓ જેવી જરૂરી સેવાઓ ચાલુ રહેશે.
- ટ્રાન્સપોર્ટ સેવાઓ પર અસર જોવા મળશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ સંભવ છે.નિષ્ણાતોનું માનવું છે કે શટડાઉન જેટલો લાંબો ચાલશે, તેની અર્થવ્યવસ્થા પર અસર એટલી જ ગંભીર થશે. બજારો પર પણ તેની અસર દેખાઈ શકે છે.
- ટ્રમ્પ આ શટડાઉનનો ઉપયોગ લાખો કર્મચારીઓની છટણી અને કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બંધ કરવા માટે કરી શકે છે.
નોંધનીય છે કે, 2018માં ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન શટડાઉન 34 દિવસ સુધી ચાલ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી લાંબું શટડાઉન હતું. અમેરિકામાં આ પહેલા પણ અનેક વખત શટડાઉન થયા છે.