ટ્રમ્પે હવે તેને ‘અમેરિકાની અસ્મિતા’નો સવાલ બનાવ્યો: જો મને નોબેલ નહીં મળે તો તે અમેરિકાનું મોટું અપમાન ગણાશે!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે આતુર દેખાઈ રહ્યા છે. ટ્રમ્પ તેને મેળવવા માટે પોતે જ પોતાનું નિવેદન કરી રહ્યા છે. ટ્રમ્પે હવે તેને અમેરિકાની અસ્મિતાનો સવાલ બનાવી દીધો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે સાત વૈશ્વિક સંઘર્ષોને સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી છે, તેમ છતાં જો તેમને નોબેલ પુરસ્કાર નહીં આપવામાં આવે તો તે અમેરિકા માટે ‘મોટા અપમાનની વાત’ હશે. ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની યોજનાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે મંગળવારે ક્વોન્ટિકોમાં સૈન્ય અધિકારીઓને પોતાના સંબોધનમાં કહ્યું, “મને લાગે છે કે, અમે તેને ઉકેલી લીધો છે. હવે, હમાસે સહમત થવું પડશે અને જો તેઓ માનશે નહીં, તો તેમના માટે ખૂબ મુશ્કેલ હશે. તમામ આરબ, મુસ્લિમ રાષ્ટ્રો આનાથી સહમત છે. ઇઝરાયલ સહમત છે. આ એક અદ્ભુત વાત છે કે બધા સાથે આવ્યા છે.”
‘કોઈ આવું ક્યારેય કરી શક્યું નથી’
ટ્રમ્પે કહ્યું કે જો સોમવારે જાહેર થયેલા ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની તેમની યોજના સફળ થઈ જાય છે તો તેમણે થોડા જ મહિનાઓમાં આઠ સંઘર્ષો ઉકેલી લીધા છે. ટ્રમ્પે કહ્યું, “આ શાનદાર છે, કોઈ આવું ક્યારેય કરી શક્યું નથી. છતાં, ‘શું તમને નોબેલ પુરસ્કાર મળશે?’ બિલકુલ નહીં. તેઓ તેને કોઈ એવી વ્યક્તિને આપશે જેણે કંઈ જ કર્યું નથી. તેઓ તેને એવી વ્યક્તિને આપશે જેણે ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો અને યુદ્ધને ઉકેલવા માટે શું કરવામાં આવ્યું, તેના પર કોઈ પુસ્તક લખ્યું છે. હા, નોબેલ પુરસ્કાર કોઈ લેખકને મળશે. પરંતુ જોઈએ શું થાય છે.”
‘દેશ માટે મોટા અપમાનની વાત હશે’
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આ આપણા દેશ માટે મોટા અપમાનની વાત હશે. હું તમને જણાવી દઉં કે હું એવું ઈચ્છતો નથી. હું ઈચ્છું છું કે આ દેશને મળે. આ સન્માન દેશને મળવું જ જોઈએ, કારણ કે આવું કંઈ પહેલાં ક્યારેય થયું નથી. આ વિશે જરૂર વિચારજો. મને લાગે છે કે આ (ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની યોજના) સફળ થશે. હું આ વાત હળવાશમાં નથી કહી રહ્યો, કારણ કે હું કરારો (સમજૂતીઓ) વિશે કોઈના કરતાં પણ વધુ જાણું છું.” તેમણે કહ્યું, “પરંતુ, આઠ કરાર કરવા ખરેખર સન્માનની વાત છે.”
નોબેલ શાંતિ પુરસ્કાર કેવી રીતે મળે છે?
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવો સરળ નથી, તેના માટે સૌથી પહેલાં નોમિનેશન જોઈએ. કોઈ નેતા, સંગઠન અથવા માન્ય સંસ્થા નામ સૂચવી શકે છે. પછી નોર્વેની નોબેલ કમિટી બેસે છે અને મહિનાઓ સુધી તપાસ-પડતાળ કરવામાં આવે છે. તપાસ-પડતાળમાં જોવામાં આવે છે કે ખરેખર કોણે દુનિયામાં શાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે, ન કે કોણે માત્ર સોશિયલ મીડિયા અને નિવેદનોમાં શાંતિનો રાગ આલાપ્યો છે. ઓક્ટોબરમાં પરિણામ જાહેર થાય છે અને ડિસેમ્બરમાં ઇનામ આપવામાં આવે છે.