ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર UN પછી હવે બ્રિટનનો કડક પ્રહાર: 70 સંગઠનો અને વ્યક્તિઓ પર પ્રતિબંધ
સંયુક્ત રાષ્ટ્ર (UN) પછી હવે બ્રિટને પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. બ્રિટને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા 70 સંગઠનો અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
લંડનથી મળતી માહિતી મુજબ, સંયુક્ત રાષ્ટ્ર પછી હવે બ્રિટને ઈરાન સામે કડક પગલું ભરતાં તેના પરમાણુ કાર્યક્રમને લઈને સખત વલણ અપનાવ્યું છે. બ્રિટિશ વિદેશ કાર્યાલયે જણાવ્યું કે આ પગલું ઈરાનના સંભવિત પરમાણુ હથિયાર નિર્માણ કાર્યક્રમથી ઊભી થઈ રહેલી વધતી ચિંતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
આ પ્રતિબંધોમાં કુલ 62 સંસ્થાઓ અને 9 મુખ્ય વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જે ઈરાનના પરમાણુ અને હથિયાર વિકાસ કાર્યક્રમ સાથે કોઈને કોઈ સ્વરૂપે જોડાયેલા છે.
ઈરાન પર હથિયાર-સ્તરના યુરેનિયમ સંવર્ધનનો આરોપ
બ્રિટનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન દ્વારા તેના પરમાણુ કાર્યક્રમને આક્રમક રીતે આગળ ધપાવવામાં આવી રહ્યો છે અને તે હથિયાર-સ્તરના યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે. આ યુરેનિયમ પરમાણુ હથિયારોના નિર્માણમાં ઉપયોગમાં લઈ શકાય છે, જે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર ખતરો બની શકે છે.
બ્રિટિશ વિદેશ મંત્રી યેવેટ કૂપરે આ નિર્ણય પર ટિપ્પણી કરતાં કહ્યું, “ઈરાનનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય રહ્યો છે. તેનાથી માત્ર પ્રાદેશિક અસ્થિરતા જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ શાંતિને ખતરો ઊભો થાય છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે બ્રિટન આ પ્રતિબંધો દ્વારા ઈરાનને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે તે તેને પરમાણુ હથિયારો વિકસાવતા રોકવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
UNમાં પણ પ્રતિબંધોને ફરી લાગુ કરવાની તૈયારી
આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં “E3” દેશો કહેવાતા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સામૂહિક રીતે “સ્નેપબેક મિકેનિઝમ” સક્રિય કર્યું હતું. આ તંત્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હટાવવામાં આવેલા પૂર્વ પ્રતિબંધોને ફરીથી પ્રભાવમાં લાવી શકાય છે.
E3 દેશોનું માનવું છે કે ઈરાને 2015ના ઐતિહાસિક પરમાણુ સમજૂતી (JCPOA)ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને હવે તે સમજૂતી હેઠળ મળેલી છૂટનો લાભ લઈ શકશે નહીં. જોકે આ સમજૂતી હેઠળ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવા બદલ તેના પર લગાવેલા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં ઈરાને શરતોનું ઉલ્લંઘન કરીને સંવર્ધન પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે.
બ્રિટનની સખ્તાઈથી ઈરાનની મુશ્કેલીઓ વધશે
બ્રિટન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય માત્ર એક રાજકીય સંદેશ નથી, પરંતુ તે એવા તકનીકી અને આર્થિક સંસાધનોને પણ અવરોધિત કરશે જેના દ્વારા ઈરાન તેના હથિયાર કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે. આ પ્રતિબંધો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાન સાથે રાજદ્વારી સમાધાનની આશા ગુમાવી રહ્યો છે.
આ નિર્ણય સાથે બ્રિટને સ્પષ્ટ કરી દીધું છે કે તે પરમાણુ હથિયારોના પ્રસાર સામેની તેની પ્રતિબદ્ધતાને લઈને ગંભીર છે અને આ દિશામાં વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરવા તૈયાર છે.