12 વર્ષ બાદ ફરી એકવાર ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. આ વખતે આ સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે, જ્યારે ગત વખતે ભારતે બાંગ્લાદેશ સાથે મળીને તેનું આયોજન કર્યું હતું. ત્યારે ભારતે આ ખિતાબ જીત્યો હતો અને ફરી એકવાર ટીમ ઈન્ડિયા પાસેથી આશા રાખવામાં આવે છે કે તે 10 વર્ષથી ચાલી રહેલા ICCના દુકાળને ખતમ કરી દેશે. ભારતે 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી પછી એકપણ ટાઇટલ જીત્યું નથી.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતને આશા છે કે આ વખતે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ જ ભૂમિકા ભજવશે જે રીતે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ભજવી હતી.
2011માં જ્યારે વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે ભારતે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં યુવરાજ સિંહ જીતના હીરો તરીકે ઉભરી આવ્યો હતો. તેણે 362 રન બનાવ્યા અને 15 વિકેટ પણ લીધી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે મળીને વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ત્યારથી ભારતની વર્લ્ડ કપ જીતની શક્યતાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન શ્રીકાંતે કહ્યું, ‘તમે 2011ના વર્લ્ડ કપમાં જોયું જ હશે, ઘણા ઓલરાઉન્ડર રમતમાં આગળ આવ્યા હતા. અમારી પાસે એક શાનદાર ટીમ હતી, જેનું નેતૃત્વ એમએસ ધોનીએ શ્રેષ્ઠ રીતે કર્યું હતું અને તે સમયે અમારી પાસે યુવરાજ સિંહ હતો.
મને લાગે છે કે આ વખતે રવિન્દ્ર જાડેજા એ જ કરશે જે યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપમાં કર્યું હતું. હું માનું છું કે જો 2023નો વર્લ્ડ કપ જીતવો હોય તો જાડેજા અને અક્ષર પટેલ જેવા લોકો ભારત માટે ગંભીર ભૂમિકા ભજવશે.
તાજેતરના ભૂતકાળમાં, જાડેજા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. 34 વર્ષીય જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં 174 વનડે રમી છે, જેમાં તેણે 13 અડધી સદી સહિત 2526 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 191 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં જાડેજા પાસેથી આગામી વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરવાની આશા છે.