આજથી અહી બે દિવસના હાર્ટ ઓફ એશિયા સંમેલનનો પ્રારંભ થઇ રહ્યો છે. નાણામંત્રી અરૂણ જેટલી આ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. આમા ચીન , અમેરિકા, રૂસ, ઇરાન અને પાકિસ્તાન સહિત ૩૦થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. સ્વાસ્થ્યને કારણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંમેલનમાં ભાગ નહી લ્યે. મુખ્ય સંમેલનનું ઉદ્દઘાટન આવતીકાલે પીએમ મોદી અને અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સંયુકતરૂપે કરશે. અફઘાનીસ્તાન આનુ સ્થાયી અધ્યક્ષ છે. જયારે ભારત આ વખતે સહઅધ્યક્ષ હોવાને નાતે યજમાન છે.
આ સંમેલનમાં પાકિસ્તાન તરફથી વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર શરતાઝ અઝીઝ ભાગ લઇ રહ્યા છે. પાકિસ્તાન તથા ભારત વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોનો કોઇ પ્રસ્તાવ નથી. વડાપ્રધાન આજે સાંજે અમૃતસર પહોંચશે અને અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સરતાઝ અઝીઝ આવતીકાલે આ સંમેલનમાં સામેલ થશે. ભારતે સ્પષ્ટ કહી દીધુ છે કે, આંતકવાદના માહોલમાં વાટાઘાટો શકય નથી.