એક સમયે દેવામાં ડૂબેલા કપલ પાસે છે ₹5 કરોડની સંપત્તિ, તમે પણ તેમની ટ્રિકની મદદથી 40ની ઉંમરે બની શકો છો કરોડપતિ
મહામારી (કોરોનાકાળ) દરમિયાન જ આ દંપતીએ તેમના નાણાકીય નિર્ણયો પર પુનર્વિચાર કર્યો અને યોજનાબદ્ધ રીતે દેવું ચૂકવવાનું નક્કી કર્યું. તેમણે પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે પણ સખત મહેનત કરી. તેમણે પોતાની આવકનું મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ, રિયલ એસ્ટેટ અને ઇક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ નિવૃત્ત થઈ જાય અને બાકીની બચેલી જિંદગી મજાથી વિતાવે. પરંતુ દરેક વ્યક્તિનું આ સપનું પૂર્ણ થતું નથી. જેનું કારણ છે કે ઓછા સમયમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત ન થવી, જે અર્લી રિટાયરમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ તેને પ્રાપ્ત કરવું અશક્ય નથી. એક ભારતીય કપલે આ વાત સાબિત કરી બતાવી છે. આ કપલે નોકરી કરીને માત્ર 36 વર્ષની ઉંમરે ₹5 કરોડની નેટવર્થ પ્રાપ્ત કરી છે.
ખાસ વાત એ છે કે 5 વર્ષ પહેલાં તેમના માથે ₹1.2 કરોડનું દેવું હતું. તેમજ તેમની સેલરી પણ એટલી સારી નહોતી, પરંતુ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, સમજદારીથી રોકાણ અને શિસ્તબદ્ધ (Disciplined) લાઇફસ્ટાઇલ અપનાવીને બંનેએ દેવું ચૂકવ્યું અને 40 વર્ષની ઉંમર પહેલાં આર્થિક સ્વતંત્રતા પણ મેળવી. આ કપલે રેડ્ડિટ પર પોતાની વાર્તા શેર કરી છે.
આ કપલમાં પતિની ઉંમર 36 વર્ષ છે. તે સામાન્ય પરિવારનો છે. તેના માતા-પિતાએ બધી મુશ્કેલીઓ છતાં તેને સારું શિક્ષણ અપાવ્યું. એન્જિનિયરિંગ બાદ MBA કરતી વખતે તે તેની ભાવિ પત્નીને મળ્યો, જે મેનેજમેન્ટમાં કરિયર બનાવવા માટે મહેનત કરી રહી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા.
નકામા ખર્ચથી થયું દેવું
બંનેએ પોતાના સંબંધીઓને દેખાડવા માટે પોતાના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો. પતિ પાસે એજ્યુકેશન લોન હતી અને પિતાએ ઘર માટે પણ લોન લીધી હતી. લગ્ન માટે પણ લોન લીધી હતી. આમ તેમના માથે લગભગ ₹1.25 કરોડ રૂપિયાનું દેવું હતું. ત્યારબાદ દેશમાં કોરોના ફેલાયો. મોટા દેવા અને લોકડાઉને બંનેને ખાલી કરી દીધા.
એક જ વર્ષમાં ઉતારી દીધું દેવું
કોરોનાકાળમાં આ કપલે તેમના ફાઇનાન્શિયલ ગોલ પર ફરી વિચાર્યું અને વ્યૂહાત્મક (Strategically) રીતે દેવું ચૂકવવાનું નક્કી કર્યું. તેમણે પોતાના કરિયરને આગળ વધારવા માટે ઘણી મહેનત કરી. તેમણે પોતાની આવકનું મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ, રિયલ એસ્ટેટ અને ઇક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેમણે ખર્ચમાં ઘટાડો કર્યો અને માત્ર એક જ વર્ષમાં બધું દેવું ચૂકવી દીધું.
4 વર્ષમાં ઊભી કરી ₹5 કરોડની સંપત્તિ
ગત 4 વર્ષમાં આ કપલે પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને મજબૂત કર્યો અને યોગ્ય સમયે લીધેલા નિર્ણયોથી પોતાની સંપત્તિ ઝડપથી વધારી. કોરોનાકાળમાં કરવામાં આવેલું રિયલ એસ્ટેટ રોકાણ આજે તેમની સંપત્તિનો સૌથી મોટો ભાગ છે. પતિએ 2010માં ₹4 લાખ વાર્ષિક સેલરીથી કરિયરની શરૂઆત કરી હતી અને સતત પ્રમોશન મેળવીને ₹2 કરોડના વાર્ષિક પેકેજે પહોંચ્યો હતો. પત્નીના કરિયરમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો હતો. તેણીએ MBA બાદ ₹16 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી અને 2025 સુધીમાં ₹75 લાખની વાર્ષિક આવક પ્રાપ્ત કરી છે.
આ કપલે સાબિત કરી દીધું છે કે શિસ્તબદ્ધ બચત, સમજદારીભર્યું રોકાણ અને યોજનાબદ્ધ લાઇફસ્ટાઇલ અપનાવીને કોઈપણ વ્યક્તિ આર્થિક સંકટને અવસરમાં ફેરવી શકે છે. તેમની આ ઉપલબ્ધિ યુવાનો માટે એક પ્રેરણા છે અને તે વાતનું પ્રમાણ પણ છે કે યોગ્ય વિચાર અને પ્રયત્નો કરવાથી અસંભવ દેખાતા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે.