જર્મનીમાં અચાનક ડ્રોન દેખાતા મચ્યો ખળભળાટ, મ્યુનિક એરપોર્ટ બંધ, ૧૭ ફ્લાઇટ્સ રદ્દ, ૩,૦૦૦ મુસાફરો ફસાયા
જર્મનીના બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ, મ્યુનિક એરપોર્ટને આજે એક ડ્રોન જોવા મળવાને કારણે અચાનક બંધ કરવું પડ્યું હતું. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો. એરપોર્ટ પ્રશાસન મુજબ, આ સુરક્ષા ચૂકને કારણે ૧૭ ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી, જ્યારે લગભગ ૩,૦૦૦ મુસાફરો એરપોર્ટ પર ફસાયા હતા.
યુરોપના અનેક દેશોમાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મ્યુનિક એરપોર્ટે આ વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ ૨ કરોડ મુસાફરોનું સંચાલન કર્યું હતું. અચાનક થયેલા આ અવરોધથી સમગ્ર એરલાઇન્સ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. કુલ ૧૭ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. ૧૫ ફ્લાઇટ્સને જર્મનીના અન્ય એરપોર્ટ્સ (સ્ટુટગાર્ટ, નુર્નબર્ગ, ફ્રેન્કફર્ટ) અને પડોશી દેશ ઓસ્ટ્રિયાના વિયેના એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સવારે ૫ વાગ્યાથી સંચાલન ફરી શરૂ કરી દેવામાં આવશે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે હાલના દિવસોમાં યુરોપના અનેક નાટો (NATO) દેશોમાં અજ્ઞાત ડ્રોન જોવા મળવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગયા અઠવાડિયે જ ડેનમાર્ક અને પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા, જેના કારણે હવાઈ ટ્રાફિક કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.
યુરોપિયન યુનિયનને રશિયાના પડકારની આશંકા
ડ્રોન ઘટનાઓને લઈને યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં યોજાઈ હતી. અહીં આ ઘટનાઓ પાછળ રશિયાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટપણે કહ્યું કે આ ઘટનાઓ રશિયાના પડકારનો ભાગ હોઈ શકે છે. ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસને સીધો આરોપ ન લગાવ્યો, પરંતુ ઇશારામાં રશિયા તરફ આંગળી ચીંધતા કહ્યું કે “યુરોપે હવે પોતાની સુરક્ષા જાતે મજબૂત કરવી પડશે. આપણે માત્ર ડ્રોન બનાવવાની ક્ષમતા જ નહીં, પરંતુ એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ તૈયાર કરવી પડશે.” ગયા અઠવાડિયે ડેનમાર્કમાં અનેક એરપોર્ટ્સ પર ડ્રોન દેખાયા બાદ ત્યાં તમામ નાગરિક ડ્રોન ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવા માટે ‘ડ્રોન વોલ’ની તૈયારી
આ વધતા જોખમોના જવાબમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ‘ડ્રોન વોલ’ બનાવવાનો વિચાર રજૂ કર્યો છે.
શું છે ‘ડ્રોન વોલ’?
આનો અર્થ એ છે કે યુરોપની પૂર્વીય સરહદો પર એક એવી સુરક્ષા જાળ તૈયાર કરવી, જેમાં સેન્સર, રડાર અને હથિયારો તૈનાત હોય, જેથી કોઈપણ શંકાસ્પદ ડ્રોનને તરત ઓળખીને તોડી પાડી શકાય. નાટોના મહાસચિવ માર્ક રૂટે પણ આ વિચારનું સમર્થન કરતાં તેને ખૂબ જ ‘જરૂરી અને સમયસર લેવાયેલું પગલું’ ગણાવ્યું છે. જર્મનીમાં થયેલી આ ઘટના હવે યુરોપની સુરક્ષા અને સૈન્ય તૈયારીઓને મજબૂત કરવાની આવશ્યકતાને વધુ વધારી રહી છે.