નવસારીના ખાણ-ખનિજ વિભાગમાં કટકીબાજોનું રાજ: ભૂસ્તરશાસ્ત્રી ખાંબલે અને સુપરવાઈઝર કમલેશ આલનાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, ACBને કરાઈ ફરિયાદ
નવસારીમાં ખાણ-ખનિજ વિભાગમાં ચાલી રહેલા કોઠા-કબાડાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે સીધી એન્ટી કરપ્શન બ્યુરોમાં ભૂસ્તરશાસ્ત્રી સહિત સુપરવાઈઝર સામે ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. ભૂસ્તરશાસ્ત્રીનાં મેળાપીપણમાં ચાલી રહેલાં કોઠા-કબાડાની વિરુદ્વ નવસારીના જ ખાણ-ખનિજનો વ્યવસાય કરતી વ્યક્તિએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે.
વિગતો મુજબ હાલમાં નવસારીના ભાઠા ગામનાં તળાવની રોયલ્ટીનો મુદ્દો ખૂબ ગાજ્યો છે. ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંબલા અને સુપરવાઈઝર કમલેશ આલની વિરુદ્વ ખાયકી અને લાંચ પેટે મસમોટી રકમ પડાવી લેવાના ગંભીર આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે અને ફરિયાદીએ સુરત, અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ને 6 કરોડ રુપિયા સુધીની ચોરીની ફરિયાદ કરી છે.
બન્ને અધિકારીઓએ ફરિયાદી સાથે ખનનનો ધંધો કર્યો હોવાનું ફરિયાદ પરથી જણાય છે. અધિકારીઓનાં મેળાપીપણામાં ફરિયાદીએ પણ ધંધો જતો ન રહે તે માટે મોટા પ્રમાણમાં લાંચ રુશ્વત અને 30 ટકા સુધીની ભાગીદારીની ખાંબલે અને આલની ભ્રષ્ટ નીતિમાં જોતરાઈ જવાનું મુનાસિબ માન્યું અને ગાડી, રુપિયા-પૈસા અને ધંધામાં ભાગીદારી સુધીની લાંચ કહો કે લાંચ, કટકી કહો કે કટકી અને ખાયકી કહો તો ખાયકી આપી દીધી. છતાં પણ ખાંબલે-આલનું પેટ ભરાયું નહીં અને નવસારીમાં જ રહેતા ફરિયાદી પાસે વધુને વધુ ડિમાન્ડ કરવામાં આવી.
આખરે ફરિયાદીનો ધંધો તો ચોપટ થયો જ થયો સાથો સાથ ફરિયાદીની સ્થિતિ કફોડી બની ગઈ. ખાંબલે અને આલની લાંચિયા માંગણીઓને તાબે નહીં થવાનું નક્કી કરી લાંચિયા ભૂસ્તરશાસ્ત્રી ખાંબલે અને આલની વિરુદ્વ એસીબીમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે ફરિયાદીએ 6 કરોડની ચોરીના વીડિયો સહિતનાં પુરાવા પણ એસીબીને આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાછલા બે વર્ષથી ખાણ-ખનિજ ખાતામાં અડિંગો જમાવીને બેઠેલા ખાંબલે અને આલે ફરિયાદીની સામે પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી પણ કરી હતી અને ફરિયાદીનાં કામકાજને દિવસો સુધી બંધ કરી દેવાનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું.સમગ્ર પ્રકરણને ફરિયાદી સીધા કલેક્ટર સમક્ષ લઈ ગયા પરંતુ ત્યાં પણ યોગ્ય ઉત્તર કે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ફરિયાદીને ધક્કા ખાવા પડ્યા હતા. ધંધા અને બધી જ બાજુથી ચોપટ થઈ ગયેલા ફરિયાદીએ એસીબી સમક્ષ લાંચિયા અધિકારીઓ સામે ફરિયાદ કરવાનુ શસ્ત્ર ઉગામ્યું છે.
ખાણ-ખનિજ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો આ કિસ્સો તો પાશેરમાં પહેલી પૂણી જેવો છે. કાણ ખનિજ વિભાગમાં ખનન-ખનિજ માફિયાઓ બેફામ બની અધિકારીઓ સાથેની સાંઠ-ગાંઠમાં કેવા કેવા ખેલ કરી રહ્યા છે તેના કિસ્સા અનેક વખત છાપાના પાને ચઢી ચૂક્યા છે. હવે એન્ટી કરપ્શન બ્યુરો ખાંબલે અને આલ સહિતના અધિકારીઓ અને વચેટીઓ વિરુદ્વ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.