ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ વાયુસેના (Air Force) ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શન ની વિશેષ મુલાકાત લીધી હતી. ‘Know your forces’ (તમારા દળોને જાણો) ના ઉદ્દેશ્યથી યોજાયેલા આ પ્રદર્શનમાં રાજ્યપાલએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને તેના ઉચ્ચ કૌશલ્યના પ્રદર્શન સાથે વિવિધ લશ્કરી સાધનોનું વિહંગાવલોકન કર્યું હતું.
રાજ્યપાલ ભુજ એરફોર્સ સ્ટેશનના એર કોમોડોર કે.પી.એસ. ધામ પાસેથી વાયુસેનાની કામગીરી અને શસ્ત્રો વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
મુલાકાતની મુખ્ય બાબતો અને પ્રદર્શિત શસ્ત્રો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રદર્શન દરમિયાન વાયુસેનાના મહત્ત્વના શસ્ત્રો અને સિસ્ટમની વિશેષતાઓ વિશે સમજ મેળવી હતી:
- ફાઇટર ઍરક્રાફ્ટ: વાયુસેનાની શક્તિનું પ્રતીક ગણાતા ફાઇટર ઍરક્રાફ્ટનું નિરીક્ષણ કર્યું.
- મિસાઇલો: જમીનથી હવામાં દુશ્મનોના ઍરક્રાફ્ટ અને ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા ધરાવતા વિવિધ મિસાઇલ સિસ્ટમ વિશે માહિતી મેળવી.
- રોહિણી રડાર સિસ્ટમ: હવાઈ સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા રોહિણી રડાર સિસ્ટમ ના કાર્યને સમજ્યા.
- ગરુડ સ્પેશિયલ ફોર્સના શસ્ત્રો: એરફોર્સની વિશેષ સુરક્ષા ટુકડી ગરુડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા અદ્યતન શસ્ત્રોની વિશેષતાઓ વિશે સમજ મેળવી.
- ઓપરેશન સિંદૂર: રાજ્યપાલશ્રીએ વાયુસેનાના એવા શસ્ત્રો વિશે પણ સમજ મેળવી, જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂર જેવા મહત્ત્વના ઓપરેશન્સમાં કરવામાં આવ્યો હતો.
જનતા માટે પ્રેરણા
‘Know your forces’ (તમારા દળોને જાણો) ના હેતુથી યોજાયેલું આ પ્રદર્શન માત્ર ઉચ્ચ અધિકારીઓ માટે જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને નિવૃત્ત સૈનિકોના પરિવારજનો માટે પણ ખુલ્લું મુકાયું હતું. આનાથી યુવા પેઢીને દેશની સુરક્ષા પ્રણાલી અને સૈન્યની ઓપરેશનલ ક્ષમતાથી પરિચિત થવાની પ્રેરણા મળી હતી.
આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભુજ એરફોર્સ સ્ટેશનના ચીફ એડમીન ઓફિસર આર. કે. યાદવ સહિત વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આ મુલાકાતથી વાયુસેનાના જવાનોનું મનોબળ વધ્યું હતું અને સુરક્ષા દળો પ્રત્યે રાજ્ય સરકારના સમર્થનનો સંદેશ મળ્યો હતો.