ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહી: ચીઝમાં પામ તેલ ભેળવવાની શંકાથી ગુજરાત ફૂડ્સનું ઓચિંતું નિરીક્ષણ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૈયા, રાજકોટ ખાતે આવેલી ગુજરાત ફૂડ્સનું આકસ્મિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન પનીરમાં પામોલિન તેલની ભેળસેળની પ્રબળ શંકા તથા સ્થળની અનહાયજેનિક પરિસ્થિતિમાં પનીર બનતું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સ્થળ પરથી તંત્ર દ્વારા પનીરનો એક નમૂનો લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો, જ્યારે બાકીનો અંદાજે રૂ. ૪ લાખની કિંમતનો ૧,૩૦૦ કિ.ગ્રા. જેટલા ઉત્પાદિત પનીરનો નાશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાજર માલિકને જગ્યા પર ચોખ્ખાઈ રાખવા અને Schedule-IV નું પાલન કરવા જણાવીને તે માટે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.