જોધપુર કોર્ટે ગઈકાલે આસારામને દુષ્કર્મ કેસમાં ઉમર કેદની સજા સંભળાવી છે. જયારે બાકીના આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે. એૌયાશ આસારામનો અંત આવ્યા બાદ તેના દિકરા નારાયણ સાંઈને પણ દુષ્કર્મના કેસમાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા પર બળાત્કાર કરવાનો ગુનો 6-10-2013ના રોજ નોંધાયો હતો.
ફરિયાદ નોંધાતાની સાથે જ નારાયણ સાંઈ તેની અંગત ગણાતી સાધિકાઓ અને સાધકો સાથે ફરાર થઈ ગયો હતો, પરંતુ 58 દિવસની ભાગમભાગ બાદ તે હરિયાણાના કુરૃક્ષેત્રથી ઝડપાયો હતો. ત્યારબાદ નારાયણ સાઈ સામેનો કેસ નબળો કરવા તેના સાધકો દ્વારા કેસ સાથે સંકળાયેલા પુરાવા ફોડવા માટે 13 કરોડની લાંચ આપવાનુ કાવતરું ઘડવામાં આવ્યુ હતું પણ તે સુરત પોલીસે નિષ્ફળ બનાવ્યુ હતું. જે બાબતમાં PSI ચંદુ કુંભાણી અને નારાયણ સાંઈ સહિત ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
તેની સામેના આ બંને કેસો હાલ એક જ સેશન્સ કોર્ટમા ચાલી રહ્યા છે. કેસ સાથે સંકળાયેલા વકીલોએ આપેલી વિગતો મુજબ બળાત્કારના કેસમાં ફરિયાદ પક્ષ તરફથી પુરાવાની કામગીરી પુરી થઈ ચુકી છે, અને આરોપીઓના વધારાના નિવેદનો પણ લેવાઈ ચુક્યા છે.
આ ઉપરાંત બચાવપક્ષ તરફથી પણ સાક્ષીના પુરાવાની કામગીરી લગભગ પુરી થઈ ચુકી છે. આરોપી નારાયણ સાઈ ચાર વર્ષથી લાજપોર જેલમાં બંધ છે. જેને આજે કોર્ટમાં રજુ કરવામાં અાવ્યો હતો.